શું અલ્પેશ ઠાકોર માટે બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ સર્જાશે? ન ઘરના અને ન ઘાટના રહેશે?

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અલ્પેશ ઠાકોર બરાબરના સેન્ડવીચ બની ગયા છે. ભાજપમાંથી કહેવાય છે કે અલ્પેશ ઠાકોર આવે છે અને કોંગ્રેસ કહે છે કે અલ્પેશ ઠાકોરે હવે ગઈ ગુજરી ભૂલીને નવેસરથી કોંગ્રેસ સાથે કામ કરવું જોઈએ. નિર્ણય અલ્પેશ ઠાકોરે કરવાનો છે.
અત્યાર સુધી તો અલ્પેશ ઠાકોર મામલે ભાજપે મંત્રી પદનું લોલીપોપ જ આપ્યું હોવાનું માની શકાય છે. જો ભાજપને અલ્પેશ ઠાકોરને લેવા હોય તો પળનો પણ વિલંબ કરવામાં આવે નહીં. કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાના દાખલા સામે જ છે. બન્નેને કોંગ્રેસમાંથી રાતોરાત લાવી તાત્કાલિક મંત્રી બનાવી દેવાયા હતા. જો આ બન્ને નેતા માટ ભાજપ એકદમ ઝડપથી નિર્ણય કરી શકે છે તો અલ્પેશ ઠાકોર માટે વિલંબ કરવામાં કેમ આવી રહ્યો છે. આ પ્રશ્નનો જવાબ તો કાં ભાજપ આપી શકે છે અથવા તો ખુદ અલ્પેશ ઠાકોર આપી શકે છે.
આ મુદ્દો એટલા માટે ગરમાયો છે કે ભાજપે રાજ્યસભામાં અલ્પેશ ઠાકોરના એક વખતના સાથી જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવતા ઠાકોર માટે ભાજપમાં મુશ્કેલી સર્જી દેવામાં આવી છે. જો અલ્પેશ ઠાકોર ભાજપમાં પણ જોડાય તો તેમણે જુગલ ઠાકોરના ચૂંટાયા બાદ જુગલ ઠાકોરના હાથ નીચે જ રહેવાનો વારો આવશે. જુગલ ઠાકોર સાંસદ બનશે અને અલ્પેશ ઠાકોર ધારાસભ્ય. મંત્રી બનશે ત્યારની વાત ત્યારે.
ભાજપે આબાદ દાવ રમ્યો છે. કોંગ્રેસમાંથી અપમાન અને અવગણનાનાં મુદ્દે રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરે રાજકારણમાં ઉતાવળ કરી નાંખી છે. હાર્દિકની જેમ થોડી ધીરજ રાખી હોત તો ચિત્ર બદલાઈ ગયું હોત અને આમ પણ રાજકારણમાં બધા દિવસો સરખા હોતા નથી. જે વ્યક્તિ ટોચ પર જાય છે, તેના જ માણસોને હોદ્દા અને ટીકીટો મળે છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ. સ્થિતિ બન્ને જગ્યાએ સરખી છે. આજે કોંગ્રેસમાં અમિત ચાવડા-ભરતસિંહનો દૌર છે, ભાજપમાં અમિત શાહ અને પીએમ મોદીનો દૌર છે. દરેક સમયે દરેકનો દૌર હોય છે અને દૌર બદલાય તો છેક ઉપરથી નીચે સુધીનું બધું જ બદલાઈ જાય છે.
ભાજપમાં એન્ટ્રી થાય તે પહેલાં જ ભાજપે અલ્પેશને કાબુમાં રાખવા આબાદ સોગઠી મારી છે. એક સમયે ઠાકોર સેનામાં એકસાથે કામ કરનારા અલ્પેશ ઠાકોર અને જુગલ ઠાકોર હાલમાં એકબીજાના કટ્ટર રાજકીય હરીફ છે. ઠાકોર સેના પર અલ્પેશે એકહથ્થું શાસન કરતા જુગલજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચની સ્થાપના કરી હતી.
અલ્પેશ માટે હવે પ્રધાનપદ મેળવવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું હોવાનું લાગી રહ્યું છે. આમ તો ભાજપમાં એન્ટ્રી માટે પણ કપરાચઢાણ થઈ ગયા છે. જુગલ ઠાકોરની પસંદગી જ બતાવે છે કે ભાજપે અલ્પેશ ઠાકોરનો વિકલ્પ ઉભો કરી દીધો છે.

જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલાતા હવે શંકર ચૌધરી માટે પણ પ્રધાન બનવાની તક ઉજળી બની છે. કેમ કે બનાસકાંઠામાંથી બે પ્રધાન બનાવી શકાય તેમ નથી. આ જોતાં અલ્પેશ ઠાકોર માટે પ્રધાનપદ પણ જોખમમાં મુકાયું છે. ભાજપે ચાલેલી આ ચાલને કારણે અલ્પેશનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ભાજપે અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ ઘટાડી ન ઘરના ન ઘાટના જેવી દશા કરી છે. હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એવા હોદ્દાઓ છોડ્યા છે જેને હાંસલ કરવા માટે સામાન્ય કોંગ્રેસી પોતાની આખી જિંદગી ઘસી નાંખે છે. ભાજપમાં આટલા બધા હોદ્દા મળશે નહીં એ નક્કી છે. અલ્પેશ ઠાકોર માટે હજુ પણ કશું બગડયું નથી અને પાછી વળી શકાય છે અથવા ભાજપના સહારે અને આશાએ હાલ બેસી રહેવાનું રહેશે અથવા તો આવી જ રીતે ઠાકોર સેનાને ચલાવતા રહેવી પડશે.