નવસારીની કોર્ટે ચીનના સાહેદને સમન્સ કેમ મોકલ્યું, જાણો કારણ…

નવસારીની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચીનના એક સાક્ષીને હાજર થવાનું સમન્સ મોકલતા ભારે ચર્ચા ચાલી રહી છે કે આવું કેમ બન્યું? આની તપાસ કરતા માલૂમ પડ્યું છે કે ચીનના આ માણસ નવસારીના એક કેસમાં સાક્ષી તરીકે રહ્યો હતો. મૂળ પ્રશ્ન એ છે કે આજકાલ આ સાહેદ ક્યાં છે?

હાલ આ સાહેદ નવસારીમાં ક્યાં રહે છે તેની કોઈને ભાળ નથી. નવસારી રૂરલના પીએસઆઈ પીઆર ચૌધરીએ મીડિયાને કહ્યું કે મૂળ ચીનના જિશ્યો મીન જ્યુ હંગ નામની વ્યક્તિને સાહેદ તરીકે હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. નવસારી રૂરલ પોલીસમાં બનેલા બનાવમાં આ વ્યક્તિનું સાહેદ તરીકે નોંધાયેલું હતું.

પીએસઆઈ ચૌધરીએ કહ્યું કે 2015માં નવસારીમાં થયેલા અકસ્માતના ગુનામાં જિશ્યો મીન જ્યુ હંગનું નામ સાક્ષી તરીકે નોંધવામાં આવ્યું હતું. કેસ ટ્રાયલ પર આવતા તેની સામે સમન્સ કાઢવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જે તે વ્યક્તિના નિવેદન નોંધતી વખતે પોલીસ મૂળ વતન અને મૂળ ગામની ખાસ રીતે નોંધણી કરે છે અને જિશ્યો મીન જ્યુ હંગના કેસમાં પણ તેના મૂળ વતન તરીકે ચીનનું સરનામું લખાયું હોવાનું બની શકે છે, અને કોર્ટમાં પણ મૂળ વતનમાં ચીન લખાયું હોવાથી ચીનના સરનામે સમન્સ કાઢવામાં આવ્યું હોવાની સંભાવના છે.

ચીનના રહીશ જિશ્યો મીન જ્યુ હંગને 25મી જૂને નવસારી કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ કાઢવામાં આવ્યું છે. પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે મૂળ વતનનું સરનામું તથા હાલનું સરનામું લખવામાં થયેલી ચૂક કે ભૂલના કારણે આ ઘટના બની છે. જોકે, ચીન જઈને બજવણી કરવાની વાતને લઈ પોલીસ તંત્રમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.