વીડિયો: જ્યારે સુરતમાં મંદિરની જમીન બચાવવા માટે મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા રૂસ્તમપાર્કમાં કેટલાક લોકો દ્વારા મંદિરની જમીન પર કબ્જો જમાવવા માટે દાદાગીરી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક મુસ્લિમો મંદિરની જમીનને બચાવી લેવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કબ્જો જમાવવા આવેલા તત્વોના ઈદાને સફળ થવા દીધો ન હતો.

રૂસ્તમ પાર્કના રહીશોએ પોલીસને આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે રે.સરવે નંબર 23માં રૂસ્તમપાર્ક સોસયટીના માર્જિનના ખુલ્લા પ્લોટનું સીઓપી કબ્જે કરી તેના પર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મેળાપીપણું કરી બાંધકામ કરવામા આવી રહ્યું છે. માર્જિનની જગ્યામાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે. જ્યારે બાકીની જગ્યામાં મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ તથા સોસાયટીના લોકોનો વપરાશ છે.

જૂઓ વીડિયો…

રૂસ્તમ પાર્કના રહીશોએ પ્લોટ નંબર-274, મારૂતિ નગર લીંબાયતમાં રહેતા વાસુદેવ વ્યંકટેશ તંગેલ્લાપલ્લી, અશોક તથા ભટાર રોડ ખાતે રહેતા શશીકાંત વખારીયા વિરુદ્વ પોલીસમાં ફરીયાદ કરી છે અને સુરત મહાનગરપાલિકાને મંદિર ફરતે ગેરકાયદે બાંધકામની ફરીયાદ કરવામાં આવી છે. જમીન પર કબ્જો કરવા આવેલા તત્વોને પોલીસ આવ્યા હોવાની જાણ થતાં તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.

કોમી દ્રષ્ટિકોણથી સંવંદનશીલ મનાતા લીંબાયતમાં સાઈ બાબાના મંદિર માટે મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ ફરીયાદ કરી ભૂ માફિયાઓની મેલી મુરાદ પુરી થવા દીધી ન હતી. કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે.