જુગલ ઠાકોર: ભાજપમાં અલ્પેશ ઠાકોર વિરોધી લોબીનો વિજય, ભાજપમાં એન્ટ્રી પૂર્વે જ પાંખો કપાઈ?

(સૈયદ શકીલ દ્વારા ): એક સમયે અલ્પેશ ઠાકોર સાથે ખભે ખભે મિલાવી ઠાકોર સેનામાં કામ કરી રહેલા જુગલ ઠાકોરને રાજ્યસભાની સીટ આપી ભાજપે એક રીતે અલ્પેશ ઠાકોર માટે રસ્તો મુશ્કેલ કરી દીધો છે. ભાજપમાં અલ્પેશ ઠાકોર મામલે બે લોબી ચાલી રહી છે. એક લોબ અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ માટે માર્ગ મોકળું કરવાનું કામ કરી રહી છે, જ્યારે બીજી લોબી અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં તેવા પ્રયાસોમાં લાગી ગઈ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ અલ્પેશ ઠાકોરને ભાજપમા લેવાના મતના છે જ્યારે શંકર ચૌધરી, ભરતસિંહ ડાભી, દિલીપ ઠાકોર તથા સહકારી આગેવાનો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવામાં આવે અને સીધા મંત્રી બનાવી દેવામાં આવે તો શંકર ચૌધરી માટે બનાસકાંઠા અન પાટણમાં રાજનીતિ કરવી મુશ્કેલ બની શકે છે. અલ્પેશ ઠાકોર મંત્રી બને તો સીધી વાત એ છે શંકર ચૌધરીના ગુજરાત સરકારમાં એન્ટ્રી કરવાના દરવાજા બંધ થઈ જાય એમ છે, કારણ કે એક જિલ્લામાંથી બે જણને મંત્રી બનાવી શકાય એમ નથી.

હવે જુગલ ઠાકોરની વાત કરીએ. જુગલ ઠાકોર અગાઉ ઠાકોર સેનામાં અલ્પેશ ઠાકોર સાથે હતા અને ઠાકોર સેનામાં જ્યારે તિરાડ પડી ત્યારે જુગલ ઠાકોરે ભાજપ તરફે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને ભાજપમાં એન્ટ્રી કરી હતી. પીએમ મોદીની ચૌકીદારવાળી મૂવમેન્ટમાં પણ તેઓ સક્રીય રહ્યા હતા.

જુગલ ઠાકોરને ભાજપે ગુજરાત વિધાનસભા વખતે ગાંધીનગર દક્ષિણની ટીકીટ પણ ઓફર કરી હતી પરંતુ કોઈક કારણોસર તે વખતે જુગલ ઠાકોરને ટીકીટ આપવામાં આવી ન હતી. પણ હવે જુગલ ઠાકોરને સીધા રાજ્યસભાની લોટરી લાગી ગઈ છે. જુગલ ઠાકોર એક રીતે જોઈએ તો અલ્પેશ ઠાકોરની નીતિઓનો વિરોધ કરતા આવેલા છે.

જુગલ ઠાકોરની રાજ્યસભાની ઉમેદવારી એક રીતે જોઈએ તો ભાજપે ઠાકોર સમાજને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે, અને યુવા નેતા પર ભરોસો મૂક્યો છે. આ સિવાય અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી થાય તે પહેલાં જ જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરી અલ્પેશ ઠાકોરની પાંખો પણ કાપી લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી મુશ્કેલીમાં મૂકાઈ જવાની શક્યતા પણ નકારી શકાતી નથી.