ભારત અને પાકિસ્તાન ફરી એક વખત વર્લ્ડ કપમાં ટકરાશે?

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં 16મી જૂને ભારત અને પાકિસ્તાનનો રોમાંચક મૂકાબલો જોવા મળ્યો હતો અને ફરી વાર આ બન્ને ટીમો વર્લ્ડ કપમાં આમને સામને ટકરાય તેવી ગણતરી ચાલી રહી છે.વર્લ્ડ કપમાં સૌથી વધુ ઈન્તેજારી કરાવતી ભારત-પાકિસ્તાનની ટીમો કેવી રીતે ફરી વાર ટકરાશે તે અંગે જો અને તોની ગણતરી મૂકવામાં આવી રહી છે. 16મી જૂનની મેચમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી કારમો પરાજ્ય આપ્યો હતો.

અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ જોઈએ તો ટોપ ચાર ટીમમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત અને યજમાન ઈંગ્લેન્ડની ટીમ છે. ભારત સામે અફઘાનિસ્તાનની ટીમ હારી ગઈ અને પાકિસતાન સામે આફ્રિકાની ટીમ હારી ગઈ. હવે આ બન્ને ટીમો માટે વર્લ્ડ કપના દરવાજા બંધ થઈ ગયા છે.

ન્યૂઝીલેન્ડ

6 મેચમાંથી પાંચ મેચ જીત્યા બાદ 11 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથેની મેચ બાકી છે. માત્ર એક વિજય હાંસલ કર્યા બાદ કિવીઓ સેમી ફાઈનલમાં જગ્યા પાકી થઈ જશે.

( પણ જો ન્યૂઝીલેન્ડ ત્રણમાંથી એક પણ મેચ નહીં જીતે તો 11 પોઈન્ટ જ રહી જશે. આવી સ્થિતિમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે બચેલી ત્રણ મેચમાં ઓછામાં ઓછી એક હાર જરૂરી છે જેથી કરીને તેમને 10 પોઈન્ટ સુધી સીમીત રાખી શકાય.)

ઓસ્ટ્રેલિયા

6 મેચમાં પાંચ જીત હાંસલ કરીને 10 પોઈન્ટ સાથે આ ટીમ બીજા નંબરે છે. કાંગારુઓ અત્યાર સુધી માત્ર ભારત સામે હાર્યા છે.  એરોન ફિંચની ટીમ માટે હવે પછીની મેચ ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકા સાથે થવાની છે. માત્ર એક જીત જ કાંગારુઓને સેમી ફાઈનલમાં પહોંચાડી દેશે.

 (જો બાકીની ત્રણ મેચમાંથી ઓસ્ટ્રેલિયા એક પણ મેચ ન જીતે તો 10 પોઈન્ટ જ રહી જશે. આવામાં કાંગારૂઓએ આશા કરવી પડશે કે શ્રીલંકા ઓછામાં ઓછી બે મેચ હારી જાય અને બાંગ્લાદેશ તથા પાકિસ્તાન પણ ઓછામાં ઓછી એક મેચ હારી જાય. આવી રીતે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન એમ ત્રણેય ટીમ 11 પોઈન્ટ હાંસલ કરી શકશે નહીં.)

ભારત

અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત વિરાટ કોહલીની ટીમે પાંચ મેચમાંથી ચાર મેચ જીતી છે અને 9 પોઈન્ટ સાથે ત્રીજા નંબર છે. ટીમ ઈન્ડીયાએ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને પરાજય આપ્યો છે, જ્યારે ન્યૂઝીલેન્ડ સાથેની મેચ વરસાદના કારણે રમાઈ ન હતી, જેથી કરીને આ મેચનો એક પોઈન્ટ મળ્યો છે.

વેસ્ટઈંડીઝ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની મેચ બાકી છે. બે મેચમાં જીત થતાં ઈન્ડીયા સેમી ફાઈનલમાં જગ્યા પાકી કરી લેશે.

 (પણ જો ટીમ ઈન્ડીયા ચારમાંથી એક પણ મેચ નહીં જીતે તો 9 પોઈન્ટ જ રહી જશે. આવામાં ટીમ ઈન્ડીયાએ આશા રાખવી પડશે કે શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક કરતાં વધારે મેચ જીતી શકે નહીં તથા વેસ્ટઈંડીઝ પણ ઓછામાં ઓછી એક મેચ હારી જાય.)

ઈંગ્લેન્ડ

આ ટીમ આઠ પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. હવે પછી ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ વિરુદ્વની મેચ બાકી છે. સેમી ફાઈનલમાં જીતવા માટે બે મેચ જીતવી પડશે.

(પણ જો અંગ્રેજ ટીમ બાકીની મેચોમાંથી એક પણ નહીં જીતે તો આઠ પોઈન્ટ જ રહી જશે અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાની આરે પહોંચી જશે. પણ હાર-જીતના સમીકરણો સરખા પડે તો ઈંગ્લેન્ડની ટીમ સેમી ફાઈનલ સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાન

અને હવે વાત પાકિસ્તાનની ટીમની. 1992માં સ્લો સ્ટાર્ટર કર્યા બાદ ચેમ્પિયન બનનારી પાકિસ્તાનની ટીમ ફરી ચેમ્પિયન બનવા સપના જોઈ શકે છે.

પાકિસ્તાન 6 મેચમાંથી બે મેચ જીતી પાંચ પોઈન્ટ સાથે સાતમા નંબરે છે. દ.આફ્રિકાને 49 રને હરાવ્યા બાદ પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં પાછા ફરવાના સંકેત આપ્યા છે.

ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચ બાકી છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ત્રણેય મેચ જીતવા પડશે. આમાં પાકિસ્તાનના 11 પોઈન્ટ થઈ જશે. પણ વાત જો અને તો પર જ અટકેલી છે.

સરફરાઝ એન્ડ કંપનીએ ટોપ ચાર ટીમમાં સ્થાન મેળવવા માટે આશા રાખવી પડશે કે ઈંગ્લેન્ડની ટીમ એક કરતાં વધારે મેચ ન જીતે. આ સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશ ઓછામાં ઓછી એક મેચ હારી જાય.

તો અને તો જ ભારત અને પાકિસ્તાન સેમી ફાઈનલમાં નવમી જૂલાઈએ માન્ચેસ્ટરમાં રમાનારી પ્રથમ સેમી ફાઈનલ અથવા તો 11મી જૂલાઈએ બર્મિંગહામમાં થનારી બીજી સેમી ફાઈનલમાં ટકરાવી શકે છે. ફાઈનલ લંડનમાં 14મી જૂલાઈએ થશે.