ECની સુપ્રીમમાં એફિડેવિટ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી કાયદા મુજબ

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે એફિડેવિટ દાખલ કરી છે. ચૂંટણી પંચે બે સીટ પર અલગ અલગ ચૂંટણી કરવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યું છે.એફિડેવિટમાં કહેવાયું છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી થયેલી સીટ પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ કાયદા મુજબ જ છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાના આધારે 57 વર્ષથી ચૂંટણી યોજવામાં આવી રહી છે. ચૂંટણી પંચ પહેલાંથી જ કેઝ્યુઅલી ખાલી થયેલી સીટો માટે ચૂંટણી યોજતું આવ્યું છે. જ્યારે કોઈ સભ્યની સદસ્યતાનો કાર્યકાળ પુરો થઈ જાય છે તો રેગ્યુલર વેકેન્સી હોય છે. જેના માટે એક સાથ ચૂંટણી કરવામાં આવી છે. ચૂંટણી પંચે દિલ્હી હાઈકોર્ટના 2009માં સત્યપાલ મલીક મામલે આપેલા ચૂકાદાનો હવાલો આપી કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે કેઝ્યુઅલી વેકેન્સીને અલગ અલગ ચૂંટણીથી ભરી શકાય છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટીસ ઈશ્યુ કરી હતી. ગુજરાત કોંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી બન્ને સીટ પર અલગ અલગ ચૂંટણી યોજવાના જાહેરનામાને પડકાર્યું હતું અને કહ્યું હતું કે અલગ અલગ ચૂંટણી કરવી ગેરબંધારણીય છે. પાંચમી જૂલાઈ રાજ્યસભા માટે મતદાન કરવામાં આવશે.

નોંધનીય છે કે અમિત શાહને રાજ્યસભાને લોકસભાની ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23મી મેના રોજ આપવામાં આવ્યું હતું, જ્યારે સ્મૃતિ ઈરાનીને 24મી મેનાં રોજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ આધારે ચૂંટણી પંચે બન્ને સીટ માટે અલગ અલગ ચૂંટણી યોજવાનું જાહેરનામું પ્રસિદ્વ કર્યું હતું અને ચૂંટણી એક જ દિવસે થશે. જો કોંગ્રેસની પીટીશન ખારીજ થાય છે તો બન્ને સીટ ભાજપ આસાનીથી જીતી જશે અને અલગ અલગ થાય તો કોંગ્રેસ એક સીટ જીતી શકે તેવી સ્થિતિમાં છે.