રાજ્યસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીરૂપે કોંગ્રેસે પાંચ નામની પેનલ બનાવી છે. પાંચ નામો કેન્દ્રીય કોંગ્રેસ કમિટીને મોકલી આપવામાં આવ્યા છે.
કોંગ્રેસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સિનિયર કોંગ્રેસી નેતા બાલુ પટેલ, કરસનદાસ સોનેરી, ચંદ્રીકાબેન ચૂડાસમા, ગૌરવ પંડ્યા અને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોષીના નામની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના બે સીટ અલગ અલગ ચૂંટણી યોજવાના જાહેરનામાને પડકાર્યો છે. કોંગ્રેસે જાહેરનામાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી પંચે એફિડેવિટ રજૂ કરી હતી અને કહ્યું હતું કે કાયદા પ્રમાણે અલગ અલગ ચૂંટણી યોજવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી પંચના જાહેરનામાને ગેરબંધારણીય ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ શું ફેંસલો કરે છે તેના પર મીટ મંડાયેલી છે પણ ગુજરાત કોંગ્રેસે આગોતરી તૈયારી કરી પાંચ નામોની પેનલ બનાવી છે. જો કોર્ટનો ચૂકાદો ફેવરમાં આવે તો ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને નહીં આવે તો પછી ઉમેદવારોની પસંદગીનો કોઈ પ્રશ્ન રહેતો નથી તેવું કોંગ્રેસના સિનિયર નેતાએ જણાવ્યું છે.