ગુજરાત રાજ્યસભા ચૂંટણી: સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોના નામ નક્કી કરશે, એસ.જયશંકર ફાઈનલ, તો બીજી સીટ પર કોણ?

ગૃહમંત્રી અમિત શાહ અને ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકેની બે સીટ ખાલી પડી છે. આ સીટ પર પાંચમી જૂલાઈએ મતદાન થશે. ભાજપ માટે બન્ને સીટ જીતવી આસાન છે. ચૂંટણી પંચે બે બેલેટ પેપરથી બન્ને સીટની ચૂંટણી અલગ અલગ કરવાનું જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે પીએમ મોદી અને અમિત શાહ સાંજ સુધીમાં કોઈ નિર્ણય કરે તેવી શક્યતા છે.

આજે સાંજે પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા કરશે એવી માહિતી છે. તેમના મનમાં ક્યા હશે તે કોઈ કળી શકતું નથી.

એક નામમાં તો વિદેશ મંત્રી એસ.જયશંકરનું નામ ગુજરાતમાંથી ફાઈનલ છે. આજે જયશંકરે ભાજપની પ્રાથમિક્તા સદસ્યતા ધારણ કરવાની ઔપચારિક્તા પૂર્ણ કરી હતી. કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય પદાધિકરીઓની હાજરીમાં એસ.જયશંકરે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. એસ.જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના ભાજપના ઉમેદવાર બની રહ્યા હોવાની પ્રબળ શક્યતા છે.

જ્યારે બીજી સીટ માટે અનેક નામો પર વિચારણા કરવામાં આવી રહી છે. સિકલ સેલ એનિમીયા માટે કામ કરતા અને આદિવાસી વિસ્તારમાં બહોળી રીતે સંગઠન લક્ષી પ્રવૃત્તિમાં જોડાયેલા દર્શના દેશમુખનું નામ પણ ચર્ચામાં છે. દર્શના દેશમુખ ગાયનેકોલોજિસ્ટ છે તથા ભરૂચના માજી સાંસદ ચંદુ દેશમુખના પુત્રી છે. તેમણે નર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રધાન મંત્રી માતૃ શક્તિ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. દર્શના દેશમુખનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે પણ ચર્ચાયું હતું.

આ સિવાય હર્ષદ વસાવા, શંકર ચૌધરી, કાનજી ઠાકોર અને દિલીપ ઠાકોરના નામ પણ રાજ્યસભા માટે ચાલી રહ્યા છે. બીજી સીટ માટે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાય છે, તે કળવું હાલ મુશ્કેલ છે. ચર્ચાઈ રહેલા નામો પૈકી કોઈ એક નામ આવે છે કે પછી ભાજપ હાઈકમાન્ડ અન્ય કોઈ નામ પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવાનું રહે છે.

ભાજપના વર્તુળો મુજબ આજે રાત સુધીમાં બન્ને નામો ફાઈનલ થવાની શક્યતા છે અને આવતીકાલે 12.39ના વિજય મુહુર્તમાં ભાજપના ઉમેદવારો નોમિનેશન દાખલ કરે તેવી માહિતી જાણવા મળી રહી છે.