અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો: ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજીનો સ્વીકાર કરતી હાઈકોર્ટ

રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હોદ્દાઓથી પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવાની કાયદાકીય લડતનાં મંડાણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજીનો સ્વીકાર કરવામાં આવતા  અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે અલ્પેશ ઠાકોરે અપમાન અને અવગણનાનો આક્ષેપ મૂકી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી દીધા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ન હતું. અલ્પેશ ઠાકોરે પણ કહ્યું હતું કે ધારાસભ્ય પદ છોડવાનો નથી. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મંત્રી બની રહ્યાની અટકળો પાછલા કેટલાય સમયથી ચાલી રહી છે પણ તે અંગે હજુ સુધી ફળદાયી પ્રગતિ જણાઈ આવી રહી નથી.

કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પણ અલ્પેશ મામલે ફરીયાદ કરી છે પરંતુ તેનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. આ દરમિયાનમાં કોંગ્રેસે ગુજરાત હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે અરજી કરી હતી, જેનો કોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને સુનાવણી 27મી જૂને રાખવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની બે સીટની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ધારાસભ્યોનાં વોટ મહત્વના બની જાય છે. કોંગ્રેસે બે બેલેટ પેપરથી ચૂંટણી યોજવના ચૂંટણી પંચના જાહેરનામા વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે. જેની સુનાવણી 25મી થશે. અલ્પેશ ઠાકોર માટે પણ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા ટાણે ભાજપ કે કોંગ્રેસ એ નક્કી કરવાનું બની રહેશે અને ત્યારે કાર્ડ ખોલવાનો વારો આવી શકે છે.