સ્યુસાઈડ લાઈવ: સુરતના અમરત સોનવણેએ નવસારીની આંબાવાડીમાં ગળે ફાંસો ખાધો, આપઘાતનો વીડિયો કર્યો વાયરલ

નવસારી તાલુકના ધામણ ગામે આંબાવાડીમાં સુપર વાઈઝર તરીકે કામ કરતો અને જમીન દલાલી કરતા મૂળ મહારાષ્ટ્ર તથા હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પુરુષે ધામણ ખાતેની આંબાવાડીમાં તેને આપેલી ઓરડીમાં છતના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યુ હતું. આત્મ હત્યા કરતા પહેલાં પુરુષે સ્યુસાઈડ નોટ તથા પોતાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.

વિગતો મુજબ નવસારી તાલુકાના ધામણ ગામે અપૂર્વપાલની આંબાવાડીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા 41 વર્ષીય અમરત નીમાયુ સોનવણેએ સવારે 9.30 વાગ્યાની આસપાસ આપઘાત કરી લીધો હતો. નવસારી રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આપી હતી.

અમરત સોનવણે મરતા પહેલા પોતાનો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયો શૂટ કરતી વખતે અમરતે માલિકી પજવણી અને સતામણીની ફરીયાદ કરી છે અને પોતાની પત્ની તથા પુત્રીને માફ કરી દેવાની વારંવાર અપીલ કરી હતી. તે વીડિયોમાં રડતો જોવા મળી રહ્યો છે અને મરાઠીમાં પોતાની દર્દનાક હકીકત કહી રહ્યો છે.

આપઘાત કરનાર અમરત સોનવણેએ આપઘાત કરતા અગાઉ સ્યુસાઈડ નોટ લખી છે. હિન્દીમાં લખાયેલી આ સ્યુસાઈડ નોટમાં તેણે અંગ્રેજીમાં ગૌતમ જૈન, ફરઝાદ દસ્તુર, સની ફૂદનાવાળા તથા અપૂર્વપાલના નામ અને મોબાઈલ નંબર આપ્યા છે. નંબર આપ્યા બાદ તેણે લખ્યું છે કે હું પ્રાણ ત્યાગ કરવા જઈ રહ્યો છું. કારણે કે આ લોકએ મને બહું હેરાન કર્યો છે. આ લોકોએ મારી પાસેથી કામ કઢાવી લીધું, મેં પૂરેપૂરી ઈમાનદારીથી તેમના માટે કામ કર્યું છે. પરંતુ તેઓએ મારો ફાયદો લઈ લીધો અને કંઈ આપ્યું નહીં. તેઓ મને 25 હજાર પગાર પેટે આપતા હતા. તેમાંથી 12 હજાર મારો ખર્ચ હતો. બાકીના 13 હજારમાં કઈ રીતે ઘર ચાલે. તેમણે મને જમીન દલાલીનો એક પણ રૂપિયો આપ્યો નથી. આ લોકોએ મને ખૂબ મજબૂર કર્યો છે. છેલ્લા 6 માસથી પગાર પણ નથી આપ્યો. તેમને વારંવાર મેં વાત કરી પણ તેઓ મારી તકલીફ સમજી ન શક્યા.

આપઘાત કરનાર અમરતે વીડિયો ક્લિપમાં પણ આ જ વાતો દોહરાવી છે. તે જણાવે છે કે અમેને જરૂર સજા કરજો સર. જેથી મારી સાથે જે થયું તે બીજાની સાથે ન થાય. છેલ્લે ફાંસો ખાતા પહેલાં તે બાય-બાય પણ કહે છે.

પોલીસે આ સ્યૂસાઈડ નોટ અને વીડિયો ક્લિપિંગના આધારે અમરતને આપઘાત કરવા માટે વિવશ કરનાર લોકો વિરુદ્વ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.