રાજસ્થાનમાં પંડાળ પડવાથી 16ના મોત

રાજસ્થાન ખાતે આવેલા બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવન અને વરસાદના કારણે મંડપ પડી જવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મંડપ ઉડવાની તથા ત્યારબાદ ધરાશાયી થવાની ઘટનાને પગલે 16 લોકોના મોત થયાં છે, જ્યારે 55 લોકો ઘાયલ થયાના પણ સમાચાર પ્રાપ્ત થયાં છે. દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી છે. આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા અને બચાવકાર્ય હાથ ધર્યું હતું.

મંડપ ધરાશાયી થવાની ઘટનાને પગલે ઘાયલ થયેલ તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ તાજેતરમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ વરસાદને કારણે ટેન્ટમાં વીજળી પણ ગૂલ થઇ ગઈ હતી.

પીએમ મોદીએ ઘટના અંગે શોક દર્શાવ્યો છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ શોક દર્શાવી બચવા કાર્યને ઝડપી કરવા માટે તંત્રને આદેશ આપ્યો છે.