ઝારખંડમાં વધુ એક મોબ લીચીંગ, હોસ્પિટલમાં મુસ્લિમ યુવાનનું મોત

17મી જૂને તબરેઝ અન્સારી પત્ની સાથે જમશેદપુરથી પોતાના ગામે પરત ફરી રહ્યો હતા ત્યારે ઘાતકીડીહ ગામ નજીક ટોળાંએ તબરેઝ અન્સારી અને તેની પત્નીને અટકાવ્યા હતા અને ચોરીનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ ટોળાંએ તબરેઝને માર માર્યો હતો અને તેને જય શ્રી રામ અને જય હનુમાન બોલવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તબરેઝને ખૂબ માર મારવામાં આવ્યો અને ચોરીના આરોપમાં સરાયકોલા પોલીસ મથકને સોંપી દેવામાં આવ્યો. તબરેઝને મૂઢમાર મારવામાં આવ્યો હતો અને તેને સારવાર આપવામાં આવી.સારવાર દરમિયાન તબરેઝનું મોત નિજ્યું હતું.

ઝારખંડના જમશેદપુરમાં બનેલા મોબ લીંચીગના બનાવ અંગે તબરેઝની પત્ની શાઈસ્તા પરવીને ફરીયાદ આપી છે. શાઈસ્તા કહે છે કે થોડાંક મહિના પહેલાં જ તબરેઝ સાથે નિકાહ થયા હતા. તબરેઝ કદમડીહા ગામનો રહીશ હતો. શાઈસ્તાએ માગ કરી છે કે તબરેઝનું ટોળાએ મારેલા મારથી મોત થયું છે. પોલીસ અને તંત્ર બેદરકારી કરી રહ્યું છે.

સરાયકોલા પોલીસ મથકના વડા અવિનાશ કુમારે કહ્યું કે ઘાતકીડીહ ગામના લોકોએ તબરેઝને ચોરીના આરોપમાં પકડ્યો હતો. ગામ લોકોએ તબરેઝને કમલ મહતો નામના માણસના ઘરની દિવાલને કૂદતો જોયો હતો. તેની સાથે અન્ય બે લોકો પણ હતા. જેલમાંથી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે તબરેઝને માર મારવાનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. ગામ લોકો તબરેઝને થાંભલા સાથે બાંધીને માર મારી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઈ આવી રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તબરેઝનું નામ પૂછ્યા બાદ તેની પાસેથી જય શ્રી રામ અને જય હનુમાનના નારા બોલાવવામાં આવી રહ્યા છે.

ઝારખંડમાં મોબ લીચીંગના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી ઝારખંડમાં 12 મુસ્લિમ યુવાનોને મોબ લીચીંગમાં મારી નાંખવામાં આવ્યા છે.