ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતની ખાલી પડેલી સીટની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા બે બેલેટ પેપરથી ચૂંટણી કરવાનું જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસે ચૂંટણી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આ દરમિયાનમાં ગુજરાતની બે સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે તેવી તજવીજ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીની હતાશા અને બે બેલેટ પેપરથી ચૂંટણી થવાની હોવાથી કોંગ્રેસની હાર નિશ્ચિત દેખાઈ રહી હોવાથી કોંગ્રેસ ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બન્ને સીટ પર ઉમેદવાર ઉભો નહીં રાખે તેવી માહિતી કોંગ્રેસ વર્તુળો દ્વારા જાણવા મળી રહી છે.
જો કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે તો ભાજપના બન્ને ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ શકે તે નક્કી છે. ભાજપ દ્વારા ગુજરાતમાંથી વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઓબીસી સમાજમાંથી રાજ્યસભામાં મોકલવાની ગણતરી કરવામાં આવી રહી છે. બળવંતસિંહ રાજપૂત દ્વારા અહેમદ પટેલની ચૂંટણીને પડકારતી અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે ત્યારે ઓબીસી અથવા તો આદિવાસી સમાજમાંથી ઉમેદવારને રાજ્યસભામાં ભાજપ મોકલી શકે એવી શક્યતા જોવા મળી રહી છે.