સુરતના લીંબાયત વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ પર ગઈ રાત્રે પોલીસે દંડાવાળી કરતા મામલો બિચકી ગયો છે. સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોનો આરોપ છે કે પાછલા એક મહિનાથી પોલીસ દ્વારા સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને સફાઈ કામમાં અડચણ ભી કરી રોડા નાંખવામાં આવી રહ્યા છે.
વિગતો મુજબ લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા ગઈ રાત્રે પેટ્રોલીંગમાં હતા. પોલીસ પેટ્રોલીંગ દરમિયાન સફાઈ કામ કરી રહેલા સફાઈ કર્મચારીઓ પર પોલીસ દંડો લઈને તૂટી પડી હતી. સફાઈ કર્મચારીઓ અને સુપરવાઈઝરોએ પોતે સુરત મહાગરપાલિકાના સફાઈ કર્મચારી હોવાનું જણાવ્યું હોવા છતાં પોલીસે દંડાવાળી કરી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. ભોગ બનેલા રોજીંદા-કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કર્મચારીઓએ કહ્યું છે કે પાછલા એક મહિનાથી સુપરવાઈઝરો ખૂણામાં ઉભા રહીને સફાઈ કામ કરાવતા હોય છે ત્યારે મોડી રાત્રે નીકળતી પોલીસ તેમને ભગાડે છે અને સીધા દંડા મારે છે. અગાઉ આ ઘટનાઓ અંગે પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. જ્યારે ગઈ મોડી રાત્રે સુપરવાઈઝરને પોલીસે એટલા બધા ફટકા માર્યા હતા તેની જાંઘ લોહી લૂહાણ થઈ ગઈ હતી. આ કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર આપવામાં આવી હતી.
કર્મચારીઓનો આક્ષેપ છે કે પીઆઈ મકવાણીની હાજરીમાં પોલીસવાળાઓએ સફાઈ કર્મચારીઓ પર અત્યાચાર ગુજાર્યો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. મોટી સંખ્યામાં લીંબાયત પોલીસ સ્ટેશને સફાઈ કર્મચારીઓ પહોંચી ગયા હતા.
ખાસ કરીને મહિલા સફાઈ કર્મચારીઓને આવતાં-જતાં પોલીસવાળા ડરાવતા હોવાની પણ ફરીયાદ કરવામાં આવી છે. કર્મચારીઓની માંગ છે કે માર મારનારા પોલીસવાળા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તેમન સામે ફોજદારી કેસ દાખલ કરી ગુનો નોંધવામાં આવે.