આજે છે ઉર્દુને પ્રથમ ગઝલ આપનાર અમીર ખુશરોની જન્મ જંયતિ, સૂફી શાયરના જીવન પર એક નજર

ગઝલનો મિજાજ મૂળભૂત રીતે દાવા અને દલીલનો છે. શરૂઆતથી લઈ અત્યાર સુધીની હકીકત પર દ્રષ્ટિ નાખીએ તો માલુમ પડે છે કે જીવનમાં જે અનુભવો અને બદલાવ થાય છે તેના કારણે ગઝલ ભીતરેથી અસરગ્રસ્ત થાય છે. ક્યાંક આ વાતો ગઝલમાં સીધી રીતે નહીં આવે તો પણ ગઝલ પર નજર રાખનારાઓને દરેક દાયકામાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિવર્તનનું પ્રતિબિંબ ગઝલમાં અચૂક જોવા મળે છે. આ જ ગઝલની શાન છે અને તેની લોકપ્રિયતાનું રહસ્ય છે.
સામાન્યપણે ગઝલને પ્રેમની પરિભાષા સમજવામાં આવે છે પણ એ વાત જરાય નજર અંદાજ ન કરી શકાય કે જયાં ગઝલે પ્રેમનાં અહેસાસને વણ્યા છે ત્યાં જ દરેક નવા દૌરના ફેરફરોને પણ ગળે લગાડયા છે.
પ્રેમ માત્ર સાજન-સજનીનો નહીં પણ દેશ સાથે પ્રેમ, માણસ સાથે પ્રેમ, જીવન સાથે પ્રેમ, પ્રકૃતિ સાથે પ્રેમ, માણસાઈ સાથે પ્રેમ, જિંદગીના સંઘર્ષ સાથે પ્રેમ, ગરીબીની લડાઈ સાથે પ્રેમ…ઇત્યાદિ વિષયોને મજબુતીથી રજૂ કર્યા છે.
જે દૌરમાં સૂફીયાના ચળવળ ઉભરી અથવા ફિલોસોફી દ્રષ્ટિકોણમાં ભરતી આવી ત્યારે પણ ગઝલે તેને મહત્વ આપ્યું અને તે પ્રમાણે ગઝલ લખાઇ. રાજકીય, સામાજિક અને ક્રાંતિકારી યુગનો આરંભ થયો તો ગઝલે તેમને પણ પોતાની સાથે સંમિલિત કરી લીધા. વલીથી લઈ મીર સુધી અને મીરથી લઈ પ્રગતિશીલ ગઝલ સુધીનાં દરેક દૌરનું ગઝલમાં બિંબ જોવા મળે છે. જોકે આ બધું ઇશારત અને ક્યાંક રમતિયાળ લહેજામાં જોવા મળે છે.
ગઝલની સૌથી મહત્વની ખાસીયત જીદ છે. જીદ નથી તે ગઝલ નથી. કોઈ પણ વસ્તુ માટે જીદ કરતા રહેવાનું ગઝલ શીખવાડે છે. જીદ કરવાનું આ ફન અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં નથી. પ્રતીકાત્મક અને ઈશારામાં વાત કહેવાની કળાનાં કારણે ગઝલમાં વાહ-વાહી અને અસરકારકતા જન્મે છે. શેરોમાં ઊંડાણ અને શબ્દોની ઊંચાઈ આપોઆપ આવે છે. શબ્દોની બાંધણી અને ગૂંથણીમાં તીખાપણું, મીઠાશ અને ક્ષમાનો ભાવ ગઝલ માટે પ્રથમ શરત છે. આ તમામ અંશ એકત્ર થઈને એક નવા બીજને જન્મ આપે છે. આવા જન્મને ફૈઝ અહમદ ફૈઝે “નીમ મહેસુસ ગનાઇયત” એટલે કે અર્ધ અનુભાવિક સંગીત” કહ્યું છે.
કેટલાક સાહિત્ય ઇતિહાસકારોની નજરમાં અમીર ખુશરોની પ્રખ્યાત ગઝલ “ઝહાલે મસગી મકન તગાફુલ” ઉર્દુની પ્રથમ ગઝલ હોવાનું કહેવામાં આવે છે. વાત ઉર્દુની આવે તો ઇતિહાસકારો આ ગઝલને સંપૂર્ણ ઉર્દુની પ્રથમ ગઝલ માનતા નથી. આ ગઝલમાં બ્રિજ અને ફારસી ભાષાનું સુપેરે સંયોજન કરવામાં આવેલું છે. પ્રથમ પંક્તિ ફારસી અને બીજી પંક્તિ તે સમયની બ્રીજ ભાષામાં લખાયેલી જોવા મળે છે. બ્રિજ ભાષા લોક ભાષા હતી અને ગામઠી ગણાતી હતી. ઇતિહાસકારોએ આના કારણે “ઝહાલે મસગી”ને ઉર્દુની પ્રથમ ગઝલ માનવાનો ઇન્કાર કર્યો છે. કેટલાક લોકો મસગીને મિસ્કી લખે છે તે ખોટું છે. વાસ્તવમાં મસગી છે. અમીર ખુશરોની”ઝહાલે મસગી”ના શેર જોઈએ.
ઝહાલે મસગી મકૂન તગાફુલ, દોરાય નૈના બનાયે બતીયાં,
કે તાબે હિજરા નિદારમ આયે, જાન ના લાયે હો કે લગાયે ચીઠ્ઠીયાં

( આ ગરીબના હાલને જાણી જોઈને નજર અંદાજ ન કર. આંખોં નહી ફેરવ, વાતો બનાવીને. હવે જુદાઈનો સમય નથી, મને છાતી સરસો કેમ લગાડતા નથી?) હિન્દીના પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારે ખુશરોની ગઝલનું પોસ્ટમોર્ટમ કર્યું અને ગુલામી ફિલ્મમાં સીધે સીધે ઉઠાંતરી કરી આખુંય ગીત પોતાના નામે લખાવી દીધું. આજે ગુલઝાર પૂજનીય છે, જ્યારે મૂળ રચનાકાર ખુશરોને ખૂણામાં ધેકેલી દેવામાં આવ્યા છે.કેટલાક ચોખલીયાઓ તો એવો શો કરે છે કે જાણે ગુલઝારે જાતે આવું લખ્યું. સાહિત્યને પણ રાગદ્વેષનું ગ્રહણ લાગ્યું છે તે આના પરથી ફલિત થાય છે. ગુલઝારે અમીર ખુશરોના કલામની કોપી કરી અને તેના પરથી ગીત લખ્યું પણ ગુલઝારનો બાગ ગુલઝાર-ગુલઝાર થઈ ગયો અને ખુશરૂને ક્રેટીડ સરખી આપવાથી પણ જેપી દત્તા અને ગુલઝાર આઘા રહ્યા અને આઘા જ રહ્યા .
અમીર ખુશરોની ગઝલને ઉર્દુની સર્વ પ્રથમ ભલે ગણવામાં ન આવે પણ ગઝલ સ્વરૂપની પ્રથમ કૃતિ તો ગણવાની જ રહે છે. ખુશરોની ગઝલ બે ભાષાને નજીક લાવવાનો પ્રયાસ હતો અને સફળ પ્રયાસ હતો. જેની સાબિતી આ ગઝલની લોકપ્રિયતા છે. આજે પણ આ ગઝલ ખૂબ લોકપ્રિય છે.
ગોલક્ન્ડા અને બેજાપુરમાં દકની ઉર્દુમા શાયરી લખવાનો સિલસિલો શરૂ થયો. દરબારોમાં કેટલાક બાદશાહ પણ શાયર હતા. મહંમદ કુલી કુતુબશાહના ગઝલને ઉર્દુનો પ્રથમ ગઝલ સંગ્રહ માનવામાં આવે છે તો પણ તેમની શાયરી સંપૂર્ણ ઉર્દુમાં ન હતી. ઉર્દુમાં સંપૂર્ણ શાયરી વલી ગુજરાતીથી જ શરૂ થાય છે. અને એટલે જ વલીને ઉર્દુના સર્વપ્રથમ શાયરનો દરજ્જો હાંસલ છે.
અમીર ખુશરો(ર.અ)નું મૂળ નામ અબૂલ હસન યામીનુદ્દીન ખુશરો છે. ઈસ્લામી તારીખ પ્રમાણે આજે તેમની જન્મતિથિ છે. તેઓ સૂફી સંત અને સૂફી રચનાકાર તરીકે સુવિખ્યાત હતા, તેમણે આઠ બાદશાહોની સલ્તનત જોઈ છે. આઠ વર્ષની ઉંમરથી તેઓ ગીત અને નઝમ લખતા થઈ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો એમનો પ્રથમ સંગ્રહ પ્રસિદ્વ થઈ ગયો. ખુશરોના 99 સંગ્રહો પ્રકાશિત થયા હતા.તેમને તૂતીએ હિન્દ( વોઈસ ઓફ ઈન્ડીયા) અને ઉર્દુ સાહિત્યના પિતા ગણવામાં આવે છે. કવ્વાલીના પિતા તરીકે પણ તેમની ઓળખ છે.
તે જમાનામાં લોકોને પર્શીયન ભાષામાં લખેલી રચનાઓમાં સમજ પડતી ન હતી. તો દરબારીઓ અને લોકોએ અમીર ખુશરોને કહ્યું કે એવી ભાષામાં લખો કે બધાને સમજ પડે. ખુશરોએ તે સમયની રેખ્તા(ઉર્દુનું નામ), હિન્દવી ભાષા અને પર્શીયનની ભેળસેળ કરી ગીત અને ગઝલો લખવા માંડી. જે ખૂબ પોપ્યુલર થઈ. તેમના કતઆ, મષન્વી, રૂબાઈ દો-બૈતી અને તકરીબોબંધ ખાસ્સા લોકપ્રિય છે. ખુશરોનો જન્મ યુપના પટીયાલી નજીક આવેલા ઈટામાં થયો હતો.
અમીરનો મતબલ માલદાર અને ખુશરોનો મતલબ રાજા થાય છે. તેઓ જન્મજાત સૈન્ય કુટંબમાં જન્મ્યા હતા. તેમના પિતા અમી સૈફુદ્દી મેહમુદ ચંગેજ ખાનના સમયગાળા દરમિયાન ભારત આવ્યા અને ચંગેજ ખાનના સૈન્યમાં જોડાયા. તે સમયે તેમના પિતાને પટીયાલીનો રાજકાજ સોંપવામાં આવ્યો હતો. ખુશરો જ્યારે સાત વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું. માતાએ પટીયાલી છોડી દીધું અને બાળકોને લઈ દિલ્હી આવી ગયા. અમીર ખુશરોના લગ્ન બીબી દૌલતનાઝ સાથે થયા. દૌલત નાઝ રાજપૂત હતા. ખુશરો મલિક છાજુના સૈન્યમાં જોડાયા. આમ ખુશરોની બાદશાહોનો દરબારની યાત્રા શરૂ થઈ, તેઓ કવિતા લખતા ગયા અને તે પોપ્યુલર થતી ગઈ.
જીવના દૌરમાં અમીર ખુશરો દિલ્હીના સૂફી નિઝામુદ્દી અવલિયા સાથે નિકટતામાં આવ્યા. સૂફી જીવનની અંત સુધી સાધના કરી અને ઓક્ટોબર 1326માં દુનિયાને અલવિદા કહી.
અમીર ખુશરોના અનેક સૂફી કલામો આજે પણ લોકપ્રિય છે. હિન્દી ફિલ્મોમાં ખુશરોના કલામોને મારીમચકોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કાશ્મીર માટે પણ લખ્યું હતું…
અગર ફિરદૌસ બાર રૂ-એ ઝમીં અસ્ત
હમીં અસ્તો, હમીં અસ્તો, હમીં અસ્ત

(જો આ દુનિયામાં સ્વર્ગ જોવાનું હોય તો એ અહીંયા જ છે, અહીંયા છે, અહીં જ છે.)