સુરતની સિવિલ હોસ્પિટલમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીની કમાન છટકી, બોલ્યા ” ટાંટીયા તોડાવી નાંખીશ”

સુરતની અઠવા-મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડમા નીકળ્યા હતા. રાઉન્ડ દરમિયાન દર્દીઓના વોર્ડમાં તેઓ પહોંચ્યા હતા અને પ્લગ નાંખવા મામલે સિવિલના અધિકારીઓને આડે હાથે લીધા તો ખરા પણ સાથે ગાળ પણ બોલી હતી. આ અંગેનો વીડિયો ખાસ્સો એવો વાયરલ થયો છે. ત્રણ પ્લગ બદલવા માટે છ મહિનાથી સિવિલનું તંત્ર લાલીયાવાડી ચલાવી રહ્યુ હતું અને આ લાલીયાવાડી સામે હર્ષ સંઘવીની કમાન છટકી હતી.

હર્ષ સંઘવીએ વોર્ડમાં ઘૂસતાંની સાથે જ કહ્યું હતું કે છેલ્લા છ મહિનાથી *** બનાવો છો. સિવિલમાં લાલીયાવાડી જોઈને હર્ષ સંઘવીનો પિત્તો ગયો હતો અને તેમણે અધિકારીઓને બરાબરના આડેહાથે  લીધા હતા અને જતાં જતાં કહ્યું હતું કે લીલાબેન મારી પાસે નથી. ઈલેકટ્રીકનું કામ કોની પાસે છે. જો એને બોલાવો નહિંતર એની સામે એસીબીની ફરીયાદ દાખલ કરાવીશ.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ ત્યાર બાદ વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને અંતે કહ્યું હતું કે આ બધી  મસ્તી હવે કરો નહીં, નહીં તો ટાંટીયા તોડાવી નાંખીશ.

મહત્વની વાત એ છે કે હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને અગાઉ સુરતની સિવિલ હોસ્પિટલમા સુવિધા મામલે પત્ર લખ્યો હતો. અમદાવાદ સિવિલમાં મળતી તમામ સુવિધાઓ સુરત સિવિલમાં મળી રહે તેના માટે હર્ષ સંઘવીએ રાજ્ય સરકારને જાણ કરી સિવિલમાં સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત સિવિલમાં બંધ પડેલી મશીનરી શરૂ કરવા માટે પણ હર્ષ સંઘવીએ રજૂઆત કરી છે.