અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાઈ આવતા રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે અને હાલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી બન્ને સીટની ચૂંટણી એક સાથે કરવા માટે દાદ માંગી છે ત્યારે ભાજપમાં એક સીટ પર કેન્દ્રીય મંત્રીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
આમ જોવા જઈએ તો આખી કેન્દ્ર સરકાર ગુજરાતની છે. પીએમ મોદી ગુજરાતના છે, ગૃહમંત્રી ગુજરાતના છે અને બે મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના છે. પાટીદાર સમાજને બ મંત્રી આપી સાચવી લેવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભાની બે સીટના ભાજપના ઉમેદવારોને લઈ ચર્ચા ચાલી રહી છે.
ભાજપમાં ચાલી રહેલા આંતરિક ચર્ચા પ્રમાણે એક સીટ પરથી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરનું નામ સંભળાઈ રહ્યું છે. તેઓ હાલ ન તો લોકસભાના સાંસદ છે અને ન તો રાજ્યસભાના સાંસદ છે. એટલે ગુજરાતની એક સીટ પરથી તેમને ઉભા રાખવાની ચર્ચા ચાલી રહી છે. એસ.જયશંકર પૂર્વ સનદી અધિકારી છે અને કેન્દ્રીય વિદેશ મંત્રાલયમાં વિદેશ સચિવ તરીકે કાર્યરત રહ્યા હતા. પીએમ મોદીએ તેમને વિદેશ મંત્રી બનાવતા હવે રાજ્યસભા થકી સંસદના ઉપલા ગૃહમાં એસ.જયશંકને એન્ટ્રી કરાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
જ્યારે બીજી સીટ માટે હાલ ઓબીસી સમાજમાંથી ઉમેદવારને નક્કી કરવાની કવાયત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આદિવાસી નામ પણ વિચારણા હેઠળ છે. બીજી સીટ માટે હવે કોના નામે ફાઈનલ મત્તું મારવામાં આવે છે તે જોવાનું રહે છે.