સુરતમાં હની ટ્રેપનો વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ બનતા પોલીસ ચોંકી ઉઠી છે. આ પ્રકરણમાં મહિલા વકીલ સહિત ત્રણ જેટલા શખ્સોએ ભેગા થઈને યુવકને બ્લેક મેઈલ કરી સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના ખુલી છે.
વિગતો મુજબ યુવકને ફોન પર મિત્રતા કરીને ફસવામાં આવ્યો હતો યુવક સાથે યુવતીએ અર્ધનગ્ન ફોટો પાડી વારંવાર બ્લેકમેઈલ કરવાની ધમકી આપીને યુવક પાસેથી કુલ સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં એક વકીલ મહિલા સહિત ત્રણ લોકો સામેલ હતા. બનાવને પગલે ભોગ બનનાર યુવકે વરાછા પોલીસ મથકમાં ફિરયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ નોધાતા વરાછા પોલીસે હની ટ્રેપના માસ્ટર માઈન્ડ કિશોર ઇસામલીયાની ધરપકડ કરી છે. કિશોરે વકીલ ધ્રુવા અને પૂજા પટેલ નામની યુવતી સાથે મળીને યુવકને બ્લેકમેઈલ કર્યો હતો. અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસે હની ટ્રેપ કેસમાં એક આરોપીને પકડી પાડીને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.