વીડિયો: કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ગામે મહિલાઓ ઉપવાસ પર, રેશ્મા પટેલ જોડાયા ઉપવાસમાં

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ગામ જામકંડોરણામાં પાછલા પાંચ દિવસથી મહિલાઓ ઉપવાસ પર બેઠી છે. મહિલાઓ પોતાના વિસ્તારોમાં પાણી, ગટર અને રોડની સુવિધાની માંગ કરી રહી છે. ગુજરાતમાં મહિલાઓ પ્રાથમિક સુવિધાને લઈ રસ્તા પર ઉતરવાનો કદાચ આ પહેલો બનાવ બની રહ્યો છે.

પાંચ દિવસથી ઉપવાસ પર ઉતરેલી મહિલાઓની મુલાકાત એનસીપીના ગુજરાતના ઉપપ્રમુખ અને પ્રવક્તા રેશ્મા પટેલે મુલાકાત લીધી હતી. રેશ્મા પટેલે ગુજરાત સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી મહિલાઓની માંગ સંતોષવા માંગ કરી છે.

જૂઓ વીડિયો…

રેશ્મા પટેલે કહ્યું કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ગામ જામકંડોરણાની મહિલાઓને ઉપવાસ કરવાની ફરજ પડી એ ભાજપ સરકાર માટે શરમજનક કહેવાય. રોડ-રસ્તા, પાણી જેવી સામાન્ય વ્યવસ્થા આ મહિલાઓના રહેણાંક વિસ્તારમાં નથી. અને આ માંગણી પૂરી કરવા માટે જામકંડોરણાની અંજલી શેરીની મહિલાઓ છેલ્લા 5 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠી છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે મહિલાઓના હિતની વાતો કરવા વાળી ભાજપના મંત્રીના ગામની મહિલાઓ પેટ બાળી રહી છે અને તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

રેશ્મા પટેલે આશા વ્યક્ત કરી છે કે મહિલાઓની માંગણીઓનું જલ્દીથી નિરાકરણ આવે. મહિલાઓને અંત સુધી સાથ સહકાર આપવાની રેશ્મા પટેલે ખાતરી આપી છે.