MLA હર્ષ સંઘવીનો ગુસ્સો સુરતના જ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને દેખાતો નથી?

ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સામે સુરતની સિવિલ હોસ્પિટલના તંત્રની લાલીયાવાડીના પ્રશ્ને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરતના જ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા વોર્ડમાં પ્લગ બદલવા  મામલે પાછલા 6 મહિનાથી ફરીયાદ કરી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં કામગીરીના નામે ઠાગાઠૈયા કરવામાં આવતા હર્ષ સંઘવીનો પિત્તો ગયો હતો અને અધિકારીઓને મસ્તી બંધ કરો નહીંતર ટાંટીયા તોડી નાંખવા સુધીના આકરા વેણ બોલવા પડ્યા હતા.

મહત્વની વાત એ છે કે કુમાર કાનાણી પણ સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી છે. તેઓ સિવિલના તંત્રને સુધારવાનો કોલ આપી ચૂક્યા છે પણ તેમના જ પક્ષના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા પાછલા 6 મહિનાથી પ્લગ બદલવા માટે રજૂઆત કરવામાં આવી રહી હોય અને એ ન સંભળાતી હોય તો એમ જ સમજવું જોઈએ કે ભાજપના મંત્રીના રાજમાં પ્રજાના પ્રતિનિધિનો કોઈ અવાજ નથી. કુમાર કાનાણીએ સિવિલના તંત્રને જડબેસલાક રીતે સુધારવાના બદલે હર્ષ સંઘવીની ફરીયાદ અને રજૂઆત મામલે ચૂપકીદી ધારણ કરી લીધી છે તે રહસ્ય બની રહે છે.

એક ધારાસભ્યના અવાજને દબાવી દેવામાં આવતો હોય તો બિચારી બાપડી પ્રજા અને સિવિલમાં આવતા દર્દી અને તેમના સગા-વહાલાઓની શું હાલત થતી હશે તેની કલ્પના પણ કરવાની રહે છે. કુમાર કાનાણી જવાબ આપવામાંથી છટકી શકે એમ નથી. ખૂબ જ સામાન્ય રજૂઆત છે કે વોર્ડમાં કેટલીક જગ્યાએ પ્લગ બદલવાના છે અને તે 6 મહિનાથી તે બદલાઈ રહ્યા નથી. હવે પ્લગની કિંમત કેટલી? આટલી નાનકડી વસ્તુને ખરીદવામાં અને ફીટ કરવામાં 6 મહિનાનો સમયગાળો પસાર કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી ન કરવામાં આવે તો એ આરોગ્ય મંત્રી તરીક કુમાર કાનાણીની નિષ્ફળતા લેખી શકાય એમ છે.