ઈન્ડોનેશિયા: માચીસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 30નાં મોત

ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં સ્થિત બિંજોઇ શહેરના એક માચીસના ગોડાઉનમાં લાગેલી આગે 30 લોકોનો ભોગ લીધો છે. આ આગ એક મકાનમાં લાગી હતી જેનો ઉપયોગ માચીસનો જથ્થો રાખવા માટે ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો.
ઉત્તર સુમાત્રાની રાહત બચાવ સંસ્થાના પ્રમુખે માહિતી આપતા જણાવ્યું કે, ગોડાઉનમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આગ ફેલાય એ પહેલા જ તેની પર કાબૂ મેળવવામાં ફાયરના સ્ટાફે સફળતા મેળવી હતી, પરંતુ એ પહેલા 30 લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થતો હતો.
નજરે જોનારા એક રાહદારીએ જણાવ્યું કે આગ પહેલા મકાનમાં જોરદોર વિસ્ફોટ થયો હતો. મૃતકો એટલી હદ સુધી દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી અશક્ય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં જાકાર્તા સ્થિત એક ફટાકડાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી, જેમાં 45 લોકોના મોત થયા હતા.