બજેટ-2019: ટર્ન ઓવર પરનો ટેક્સ નાબૂદ કરો, પ્રોફીટ નહીં કરતીહોય તેવી કંપનીઓને ટેક્સમાંથી બાકાત રાખો

મોદી સરકાર-2ના પ્રથમ બજેટને મહિલા નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણ પેશ કરશે. બજેટ રજૂ થાય અને તેની સતત ચર્ચા થાય છે. ઈકોનોમિસ્ટ્સની પેનલો બેસવા માંડી છે. આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, વગેરે-વગેરે સૂફિયાણી વાતો, સલાહો અને સૂચનોની ભરમાર ચાલી રહી છે. એડવાઈઝ વોરમાં ભલ ભલા તારણો અને તર્ક આપવામાં આવે છે.
પણ કેટલીક સચોટ વાતો અહીં રજૂ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પિયુષ ગોયલે અર્ધ વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું અને ઈન્કમટેક્સની મર્યાદા પાંચ લાખ સુધીની બાંધી હતી પણ એ મર્યાદા કાયમી કરવામાં આવી નથી. નિર્મલા સીતારમણે પહેલાં તો એ મર્યાદાને કાયમી કરવાનું કામ કરવાનું છે.
દેશની ગંજાવર અને મોટી કંપનીઓ પાસેથી ટર્ન ઓવર પર ટેક્સ વસુલવામાં આવે છે અને એની ઝપટમાં નાની અને નોન પ્રોફીટેબલ કંપનીઓ પણ આવી જાય છે.

હવે નાણા મંત્રીએ બીજું એ કરવું પડશે કે ટર્ન ઓવર પર ઈન્કટેક્સ નાબુદ કરવાની દિશામાં પહેલ કરવાની રહે છે. આ ઉપરાંત જે કંપનીઓ પ્રોફીટ નહીં કરતી હોય એને ટેક્સના દાયરામાંથી બાકાત રાખવાનું કામ પણ કરવાનું રહે છે. નાબૂદ કરવા અને બાકાત રાખવામાં તકેદારી રાખવી પડશે કે આમાંથી કરચોરીનો રસ્તો શોધતી કંપનીઓ કોઈ પણ રીતે છટકી જાય.

કેપિટલ ઈન્ડેક્સ ખૂબ જ ગૂંચવાડો સર્જે છે. અગાઉ કોંગ્રેસ સરકારે લાંબાગાળાના કેપિટલ ગેઈન ટેક્સની ગણતરીમાં કરદાતાઓને છૂટ આપવા કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સ સૂચવ્યો હતો.આ કેપિટલ ગેઈન્સ ઈન્ડેક્સ તમારી કિંમતને વધારવામાં મદદરૂપ થાય એમ હતો. દાખલા તરીકે બેઝ ઈન્ડેક્સ 100 છે અને વર્તમાન વર્ષનો ઈન્ડેક્સ 939 છે. તો તમારી લાંબાગાળાની મૂડીની જવાબદારી તેમ જ સેક્શન 54 વગેરે માટે રકમ જે તમે રોકવા ઈચ્છો છો એના સંદર્ભમાં કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સને લાગું પાડતાં રોકાણની રકમ નોંધપાત્ર રીતે ઘટશે. છતાં પણ કાયદાની માયાજાળમાં કેપિટલ ઈન્ડેક્સ આજે પણ ધાર્યા લાભો રોકાણકારોને આપી શકી રહ્યો નથી. આ માયાજાળને દુર કરવાનું કપરું કામ પણ નાણા માથે આવ્યું છે.