GST કાઉન્સીલની 35મી મીટીંગ પૂર્ણ થયા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેઠકમાં વાતાવરણ અનુકુળ હતું. તેમણે કહ્યું કે આજની બેઠકમાં મિઝોરમ, તેલાંગાણા અને કર્ણાટકના સીએમ હાજર રહ્યા ન હતા. ત્રણેય મુખ્યમંત્રીઓએ આ અંગેની જાણકારી અગાઉથી આપી દીધી હતી. તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણે કહ્યું કે વેપાર કરવા માટે GST રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે પહેલાં અનેક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડતી હતી પણ આ કામ માત્ર આધાર લીંક કરવાથી જ થઈ જશે.
આની સાથે જ વાર્ષિક GST રિટર્ન ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ 30 જૂનથી વધારીને 31ઓગષ્ટ કરી દેવામાં આવી છે.
GST કાઉન્સીલે મલ્ટીપ્લેક્સમાં ઈ-ટીકીટીંગ અને ઈલેકટ્રોનિક્સ ઈનવોઈસીંગ સિસ્ટમને મંજુરી આપી દીધી છે. આ નિર્ણય પાછળનો હેતુ ટેક્સ ચોરી અટકાવવાનો છે.
GST કાઉન્સીલમાં ઈલેકટ્રોનિક ગાડીઓ પરના GSTને 12 ટકા ઘટાડી પાંચ ટકા અને ઈલેકટ્રીક ચાર્જર પરનો રેટ 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવાની ભલામણ ફિટમેન્ટ કમિટીને મોકલી આપવામાં આવ્યો છે.
રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણે કહ્યું કે GST કાઉન્સીલે નેશનલ એન્ટી પ્રોફીટિયરીંગ બોડી(NAA)ના કાર્યકાળને બે વર્ષ માટે વધારી દીધો છે. ગ્રાહકોને ફાયદો નહીં આપનારી કંપનીઓ વિરુદ્વ એન્ટી પ્રોફીટિયરીંગ બોડી કાર્યવાહી કરશે.
નાણા મંત્રી સીતારમણે કહ્યું કે GST કાઉન્સીલે નિયમોને આસાન કરવા માટે અને GSTના રેટ ઘટાડવા માટે અનેક પગલા ભરવાની જરૂર છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પહેલી વાર GST કાઉન્સીલની મીટીંગમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે કાઉન્સીલ જ્યારથી બની છે ત્યારથી સારું કામ કરવામાં આવી રહ્યું છે.