જૂઓ ફોટો: ‘નશા’ થીમ પર મોડેલોનું કેટવોક જોઈ સુરતીઓ દંગ રહી ગયા

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (આઇઆઇએફટી) સુરત વર્ષ 2014માં પોતાની શરૂઆતથી જ લાઇમલાઇટમાં રહ્યું છે. સારા ફેશન ડિઝાઇનર અને ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સપનું જોતાં તથા ઇવેન્ટ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આઇઆઇએફટી હંમેશાથી પસંદગીની ઇન્સ્ટિટ્યુટ રહી છે. આઇઆઇએફટી દ્વારા ફરી એકવાર પોતાના વાર્ષિક ફેશન શો-ફેશનેટ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ આગામી સિઝન માટે પોતાના રચનાત્મક કલેક્શન્સને પ્રદર્શિત કર્યાં હતાં.

‘નશા’ થીમ પર ડિઝાઈન કરાયેલા ગારમેન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આજે જ્યારે યુવા પેઢી વ્યસનના માર્ગે જઈ રહી છે ત્યાતે આઈઆઈએફટીએ ‘નશા’ થીમ અને ફેશન શૉના માધ્યમથી યુવાપેઢીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બોલ્ડ અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવા પેઢી કે જેઓ કંઇક નવું કરવામાં તથા નવા કોન્સેપ્ટ અપનાવવામાં રૂચિ ધરાવે છે, તેમને લક્ષ્યમાં રાખીને ગાર્મેન્ટની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવી છે.

આ એન્યુઅલ ફેશન શોમાં વિદ્યાર્થીઓએ ડ્રગ્સ, ગ્લોબલ વોર્મિંગ, સસ્ટેનિબિલિટી અને કચરાના યોગ્ય નિકાલ જેવાં વિવિધ સામાજિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઉપરાંત તેમણે વેસ્ટર્ન અને વિન્ટેજ પોશાકની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને પણ પ્રદર્શિત કર્યો હતો. અહીં તમે વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગમાં લઇ શકાય તેવા રેડી ટુ વિયર આઉટફિટ્સ પણ જોઇ શકો છો.

આ પ્રસંગે ટેક્સટાઇલ ઉદ્યોગના જાણીતા વ્યક્તિઓ, ફેશન પ્રોફેશ્નલ્સ સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. લોકપ્રિય બોલીવુડ ડિઝાઇનર નિતા લુલ્લા શોના મુખ્ય જ્યુરી હતાં. આ પ્રસંગે સેન્ટરના ડાયરેક્ટર મૂકેશ મહેશ્વરીએ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓના માતા-પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો.