ઈરાને અમેરિકન સૈન્યના ડ્રોનને તોડી પાડ્યું, ગલ્ફના દેશોમાં એલર્ટ

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડઝ કોપ્સ(IRGC)એ દાવો કર્યો છે કે ડ્રોને ઈરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ અમેરિકાનું કહેવું છે કે હુમલો થયો ત્યારે ડ્રોન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં હતું.

અમેરિકન સેનાએ ડ્રોનને તોડી પાડવાની ઘટનાને વિના કારણે કરાયેલા હુમલા સમાન ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટવિટ કરી કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે.

IRGCના કમાન્ડર મેજર જનરલ હુસૈન સલામીએ કહ્યું કે અમેરિકા માટે આ સ્પષ્ટ મેસેજ છે કે જ્યાંથી સીમા શરૂ થાય છે ત્યાંથી તેના માટે ખતરો છે. આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. અમેરિકા પર્શીયન સમુદ્રમાં યુદ્વ જહાજો તૈનાત કરી દીધા છે.

અમેરિકા રક્ષા મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે ઈરાનના આક્રમક વ્યવહારના કારણે દરિયાઈ પટ્ટી પર વધુ એક હજાર સૈનિકોને ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ દાવો કર્યો હતો કે ઓમાનની ખાડીમાં બે ટેન્કર પર થયેલા હુમલા માટે પણ ઈરાન જવાબદાર છે. ઈરાને અમેરિકાના દાવાને ખોટો ગણાવી ફગાવી દીધો હતો.

IRGCએ જાહેર કર્યું કે ગુરુવારે સવારે ઈરાની હવાઈ સરહદમાં આવેલા અમેરિકી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. IRGCએ ડ્રોનની ઓળખ RQ-4 ગ્લોબલ હોકના રૂપે આપી છે. પરંતુ અમેરિકી સમાચાર એજન્સીને અમેરિકી સૈન્યના અધિકારીએ જણાવ્યું કે ડ્રોન યુએસ નેવીનું MQ-4C ટ્રાઈટન હતું.

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવે બુધવારે ચેતવણી આપી હતી કે ઈરાન હવાઈ પટ્ટીમાં કોઈ પણ પ્રકારના ઉલ્લંધનને સહન કરશે નહીં. ડ્રોન તોડી પડાયું તે પહેલાં તેમાં આગ લાગી હોવાનું પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત અમેરિકાએ MQ-9 રીપર ડ્રોનને પણ તોડી પાડવાના પ્રયાસનો ઈરાન પર આરોપ મૂક્યો હતો.