વીડિયો: સુરતમાં ગેંગવોર: પારસી ટ્રસ્ટની જમીનને લઈ વસીમ બિલ્લા-યુસુફ બીડીની ગેંગ વચ્ચે બબાલ

બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે વસીમ બિલ્લાએ સુરતની સરદાર માર્કેટ પાસે આવેલી પારસી ટ્રસ્ટની જમીનને લઈ યુસુફ બીડીની ગેંગ સાથે બબાલ કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વસીમ બિલ્લા વિરુદ્વ કાર્યવાહી કરી છે. વસીમ બિલ્લાની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સુરતમાં વ્હોરા સમાજના આગેવાના બદરી લેસવાળા પર હુમલો કરવા સહિતના અનેક ગુનામાં જેલમાં જઈ આવેલો સુરતનો માથાભારે વસીમ બિલ્લાએ સુરતના પૂણાકૂંભારીયા રોડ પર આવેલી એપીએમસી માર્કેટ નજીક, સરદાર માર્કેટ પાસે ગઈ રાત્રે યુસુફ બીડી સાથે બબાલ કરી હતી. યુસુફ બીડી બેઠો હતો ત્યારે વસીમ બિલ્લાએ કારમાંથી ઉતરીને યુસુફ બીડી પર સીધો હુમલો કર્યો હતો અને યુસુફને ચાકુના ઘા મારી દીધા હતા. મોટી સંખ્યામાં લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું. લોકોએ વચ્ચે પડીને વસીમ બિલ્લાને છોડાવ્યો હતો.

જૂઓ વીડિયો…

સોનાની લગડી જેવી મનાતી પારસી ટ્રસ્ટની જમીન પર કબ્જો જમાવવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે વસીમ બિલ્લાને પકડી પાડ્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલાં જ બિલ્લા પાસામાંથી છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યાના બે દિવસમાં જ વસીમે દાદાગીરી શરૂ કરી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ માટે વસીમ માથાનો દુખાવો બની રહ્યો છે.