રાજ્યસભામાં તેલગૂ દેશમ પાર્ટીના ચાર સાંસદોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા ચંદ્રબાબુ નાયડૂને મોટો ફટકો પડ્યો છે. ટીડીપી હવે ભંગાણની આરે પહોંચી ગઈ છે.
રાજ્યસભામાં ટીડીપીના 6 સાંસદ છે તેમાંથી ચાર સાંસદોએ ભાજપમાં મર્જ થવાની જાહેરાત કરી છે. ચારેય સાંસદોએ અલગ ગ્રુપ બનાવી રાજ્યસભાનાં અધ્યક્ષ એમ.વૈંકેયા નાયડૂને પત્ર લખ જાણ કરી છે. હાલમાં ચંદ્રબાબુ નાયડૂ વિદેશ યાત્રાએ છે. એક તરફ ચંદ્રબાબુ નાયડૂ વિદેશ યાત્રાએ લંડનમાં મહાલી રહ્યા હતા ત્યારે દિલ્હીમાં ટીડીપીના ઉઠમણાની તૈયારી કરવામાં આવી રહી હતી.
TDPના રાજ્યસભાના ચાર સાંસદો વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વ્યંકટેશ અને જીએમ રાવે ભાજપમાં ટીડીપીના વિલય કરવાનો ઠરાવ પાસ કર્યો હતો. આ સમયે ભાજપના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા, થાવરચંદ ગેહલોત, જી.કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા. ચાર સાંસદોએ ટીડીપી છોડીને ભાજપનાં વિલિનીકરણ કરવાનો નિર્ણય કર્યો છે તેમને પક્ષાંતર ધારો લાગૂ પડતો નથી.