સુરતમાં વ્હોટ્સ અપ ગ્રુપને બંધ કરવાનું કારણ છે ભાજપ નેતાનો વલ્ગર મેસેજ, જાણો આખો મામલો

સચીન જીઆઈડીસીમાં કાર્યરત એવાં ભાજપના નેતા દ્વારા ભાજપના વ્હોટસ ગ્રુપમાં સુંવાળા સંબંધો અંગેનો સનસનાટીપૂર્ણ મેસેજ પોસ્ટ કરવામાં આવતા વ્હોટસ અપ ગ્રુપને જ બંધ કરી દેવામાં આવ્યું છે પણ તે પહેલાં ભાજપના નેતાની પોસ્ટ મોટાપાયા પર વાયરલ થઈ હતી અને તેને લઈ ભારે હોબાળો મચી ગયો છે. ભાજપ જેવી પાર્ટીની ઈમેજને આનાથી મોટું કલંક લાગ્યું છે.

ખાસ કરીને કનકપુર-કનસાડ નગરપાલિકા સાથે સંકળાયેલા અને સચીન જીઆડીસીમાં ભાજપના નેતા તરીકે પંકાયેલા નેતાએ એટલી ખરાબ અને વલ્ગર પોસ્ટ વ્હોટસ અપ ગ્રુપમાં પોસ્ટ કરી હતી કે પોસ્ટના શબ્દો પણ લખી શકાય એમ નથી. મહિલાઓ પ્રત્યે ભાજપના નેતાની માનસિકતા આ પોસ્ટ પરથી છતી થાય છે. મેસેજમાં એટલી ખરાબ હદે સુંવાળા સંબંધો અંગે લખવામાં આવ્યું છે વાંચનારનું માથું શરમથી ઝૂકી જાય છે. ગાળોની પણ ભરમાર કરવામાં આવી છે.

 ભાજપના નવસારી લોકસભાના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો, સચીન નગરપાલિકાના પ્રમુખ, કનકપુર કનસાડ નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ આ ગ્રુપના મેમ્બર છે. કનકપુર-કનસાડ નગરપાલિકામાં કાર્યરત તથા MDના નામે પ્રખ્યાત નેતા દ્વારા પોસ્ટ કરવામાં આવી. પોસ્ટમાં લાજપોરના સરપંચને ટારગેટ કરીને લખવામાં આવ્યું હતું. લાજપોરના સરપંચ માટે એટલી ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે વાંચતા પણ શરમ આવે છે. મેસેજના લખાણનો ઉલ્લેખ કરવાનું સમકાલી દ્વારા ટાળવામાં આવ્યું છે એટલું આપત્તિજનક લખાણ પોસ્ટમાં લખાયું છે.

મહત્વની વાત એ છે કે સામાન્ય સંજોગોમાં વ્હોટસ ગ્રુપમાં આવા મેસેજ પોસ્ટ કરવામાં આવે છે ત્યારે વાંધાજનક પોસ્ટ મૂકનારને ગ્રુપમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે પણ વલ્ગર મેસેજના કારણે આખ્ખે આખું વ્હોટસ અપ ગ્રુપ જ બંધ કરી દેવામાં આવ્યું છે.