અમદાવાદમાં સ્કૂલ ઓટોમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ સ્કૂલ ઓટો અને વાનવાળા હડતાળ પર ઉતરી જતા વડોદરા પોલીસે સ્કૂલ ઓટો અને વાનવાળાઓને સાન ઠેકાણે લાવવા અપના હાથ જગન્નાથ જેવું કામ કર્યું અને વાલીઓ સહિત શાળા સંચાલકોએ આ કામની ભરપુર પ્રશંસા કરી હતી.
સ્કૂલ ઓટો અને વાનવાળા હડતાળ પર ઉતરી જતા વડોદરા પોલીસે વાલીઓ અને બાળકોની હાલાકી દુર કરવા માટે પોતાની પીસીઆર વાનને સ્કૂલ ઓટો બનાવીને બાળકોને શાળાએ મૂકવા ગયા હતા. પોલીસે બાળકોને મદદ કરી હતી અને એક આદર્શ દાખલો પુરો પાડ્યો હતો. પોલીસની આ કામગીરીની ચોમેરથી પ્રશંસા કરવામાં આવી રહી છે.
વડોદરાના પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર-ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશનર-ટ્રાફીક શાખા દ્રારા હડતાળને અનુલક્ષીને વડોદરામાં ટ્રાફીક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ 52 ટીમ બનાવી 46-મોટર સાયકલ તથા 21- PCR વાન તથા 9-સરકારી બોલેરો વાન દ્રારા સ્કૂલના 250થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરીનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.