ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનને આપી નોટીસ

સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે સીટો પર એક સાથે ચૂંટણી યોજવા અંગે ગુજરાત કોંગ્રેસની પીટીશન પર ચૂંટણી પંચને નોટીસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે હવે પછી 25મી જૂનો સુનાવણી કરશે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીત્યા બાદ આ સીટો ખાલી થઈ છે.

નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી ચૂંટણી પંચના નોટીફિકેશનને કોર્ટમાં પડકાર્યું છે. ધાનાણી દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી થયેલી બન્ને સીટ પર એક સાથે ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે. પીટીશનમાં કહેવાયું છે કે બન્ને સીટો પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ ગેરબંધારણીય અને બંધારણની વિરુદ્વ છે.

ચૂંટણી પંચે 15મી જૂને જાહેરાત કરી હતી કે ગુજરાત રાજ્યસભાની ખાલી થયેલી સીટો પર પાંચમી જૂલાઈએ ચૂંટણી યોજવામાં આવશે. જસ્ટીસ દિપક ગુપ્તા તથા જસ્ટીસ સૂર્યકાંત સમક્ષ કોંગ્રેસના વકીલ વિવેક તન્ખાએ અરજન્ટ હિયરીંગની દાદ માંગી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાતના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કોર્ટમાં પીટીશન કરતાં આખો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ખરેખર ગુજરાત વિધાનસભામાં ભાજપના 100 ધારાસભ્ય છે. જ્યારે કોંગ્રેસના 75 ધારાસભ્ય છે અને સાત સીટ ખાલી છે. બન્ને સીટ માટે સાથે ચૂંટણી થાય તો ફર્સ્ટ પ્રેફરન્શિયલ વોટ અને સેકન્ડ પ્રેફરન્શિયલ વોટની ગણતરીમાં એક સીટ ભાજપ અને એક સીટ કોંગ્રેસ જીતી શકે તેવી સ્થિતિ છે. પરંતુ બન્ને સીટ માટે અલગ અલગ વોટીંગ થાય તો બન્ને સીટ ભાજપ જ જીતી જશે. આ સિવાય બન્ને સીટ માટેના બેલેટ પેપર અલગ અલગ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્શિલય વોટ પ્રમાણે 61 વોટની જરૂરીયાત છે. એક બેલેટ પેપર પર એક જ વોટ નાંખી શકાશે.

અલગ અલગ ચૂંટણી થાય ત કોંગ્રેસ એક સીટ આરામથી જીતી શકે છે. કારણ કે કોંગ્રેસ પાસે 75 ધારાસભ્ય છે. પણ ચૂંટણી પંચના નોટીફિકેશન પ્રમાણે ધારાસભ્યો અલગ અલગ વોટ આપશે અને તેમને બે વોટ આપવાની તક મળશે. ભાજપ પાસે 100 ધારાસભ્ય છે એટલે સીધી રીતે બન્ને સીટ ભાજપ જ જીતી જશે.