રાહુલ ગાંધી ચક્રવ્યૂહને ભેદી શકશે? સિનિયરોએ રાહુલને નાનીના ગામે મોકલવાનો તૈયાર કર્યો છે તખ્તો

કોંગ્રેસમાં રાહુલ ગાંધી ચોમેરથી ઘેરાઈ ગયા છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને અમેઠીમાંથી જ હરાવ્યો નથી પણ લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત થાય તેના પણ પ્રપંચ રચ્યા હતા અને હવે આ વાતો બહાર આવી રહી છે. રાહુલ ગાંધીને નાનીનાં ગામ ઈટલી મોકલી વાયા સોનિયા ગાંધી પ્રિયંક ગાંધીના હાથમાં સીધી અથવા આડકતરી રીતે કોંગ્રેસની કમાન આવી જાય તેવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે અમેઠીમાં ખુદ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના પ્રચાર અને ચૂંટણી તંત્રની કમાન સંભાળી હતી પણ અમેઠીમાં રાહુલ હાર્યા એનાં કરતાં મહત્વનું એ છે કે અમેઠીમાં પ્રિયંકા ગાંધી હાર્યા છે અને માત્ર અમેઠી જ શું કામ આખાય ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી એક માત્ર માતા સોનિયાની જ સીટ બચાવી શક્યા છે.

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રમુખ પદે નહીં રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે અને સિનિયર કોંગ્રેસીઓને બે મહિનાની મહેતલ આપી છે. કોંગ્રેસમાં ખાસ્સી એવી ખટરાગ ઉભી થઈ ગઈ છે. રાહુલ ગાંધી સામે લોકસભાની ચૂંટણીમાં સિનિયર કોંગ્રેસી નેતાઓ સફળ રહ્યા છે અને વાયા સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી મારફત સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીને જોરદાર લપડાક મારી છે. રાહુલ ગાંધી અંગે સિનિયર કોંગ્રેસીઓને પહેલાંથી જ અણગમો છે. રાહુલ ગાંધી કોંગ્રેસના સંગઠનમાં પરિવર્તન કરવાની સતત માંગ કરતા આવ્યા છે, પણ સોનિયા ગાંધીને વચ્ચે નાંખીને સિનિયર કોંગ્રેસીઓ પોતાના ખેલ પાર પાડતા આવ્યા છે અને હાલ આવા ખેલ હજુ પણ ચાલું છે. અત્યાર સુધી તો રાહુલ કે પ્રિયંકા સિનિયર કોંગ્રેસીઓના દાવમાં આવ્યા નથી પણ એ દિવસો બહુ દુર નથી કે સિનિયર કોંગ્રેસીઓ ગાંધી પરિવારના શાંત ઘરમાં મોટો કાંકરીચાળો કર્યા વગર રહેશે નહીં. ગાંધી પરિવારમાંજ ખટરાગની સ્થિતિ ઉભી કરી દેવામાં આવી છે. સિનિયર કોંગ્રેસીઓ દ્વારા પ્રિયંકા ગાંધીના નામને આગળ ધરવામાં આવી રહ્યું છે અને હાલ રાહુલ ગાંધીએ નોન ગાંધીના નામનો વિચાર કરવાનું કહી સિનિયર કોંગ્રેસીઓના દાવને ઉંધો પાડ્યો છે.

રાહુલ ગાંધીએ પ્રમુખ તરીકે ચાલુ રહેવા સિનિયર કોંગ્રેસીઓ સમક્ષ આકરી શરતો મૂકી છે. સિનિયર કોંગ્રેસીઓ પણ જાણે છે કે તેમનું રાજકારણ પુરું થઈ ગયું છે તેઓ હવે પંચાયતની પણ ચૂંટણી જીતી શકે એમ નથી. ગાંધી પરિવાર ન હોય તો સિનિયર કોંગ્રેસીઓના તમામ ખેલ પુરા થઈ જાય તેમ છે. હવે સિનિયર કોંગ્રેસીઓએ બિછાવેલી માયાજાળમાંથી રાહુલ ગાંધી કેવી રીતે બહાર નીકળે છે તે મહત્વનું બની રહેશે.