બંગાળી બાબુ અધીર રંજન ચૌધરી હશે લોકસભામાં કોંગ્રેસના નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બંગાળી બાબુ અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા હશે. રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના નેતા બનવાનો ઈન્કાર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે અધીર રંજન ચૌધરી અંગે નિર્ણય કર્યો હતો. લાંબી રાજકીય ચર્ચા કર્યા બાદ કોંગ્રેસે નિર્ણયની જાહેરાત કરી હતી. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી હાજર રહ્યા હતા. અધીર ચૌધરીના નામનો ઉલ્લેખ કરી લોકસભા સચિવને પત્ર લખવામાં આવ્યો છે કે તેઓ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના નેતા હશે. આ ઉપરાંત પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે તેઓ મહત્વપૂર્ણ સમિતિઓની પણ પસંદગી કરશે.

કોંગ્રેસ બુધવારે પીએમ મોદી દ્વારા યોજવામાં આવેલી બેઠક પર ફોકસ કરશે. પીએમ મોદીએ વન નેશન, વન ઈલેક્શનની ચર્ચા કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી છે. કોંગ્રેસે આ નીતિનો અલગ અલગ તર્ક આપી વિરોધ કર્યો છે. મલ્લિકાર્જુ ખડગે હારી જતા લોકસભામાં કોંગ્રેસના નેતાનું પદ ખાલી થઈ ગયું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓની ઈચ્છા હતી કે આ પદ પર રાહુલ ગાંધીની નિયુક્તિ કરવામાં આવે પણ રાહુલ ગાંધીએ તેનો ઈન્કાર કરી દીધો હતો.

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે, પણ પાર્ટી રાહુલ ગાંધીની વાતને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધીના રાજીનામાના મામલે કોંગ્રેસમાં પાછલા કેટલાક વખતથી ભારે બબાલ ચાલી રહી છે. સિનિયર કોંગ્રેસીઓ પર રાહુલ ગાંધી ખાસ્સા ગિન્નાયા હોવાની માહિતી મળી રહી છે.