ઓમ બિરલા હશે લોકસભાના નવા સ્પીકર

સામાન્ય રીતે વરિષ્ઠ સાંસદને લોકસભાના સ્પીકર બનાવવાની પરંપરા રહી છે. પણ ભાજપે આ વખતે બે વખત સાંસદ રહેલા ઓમ બિરલાને સ્પીકર પદના ઉમેદવાર જાહેર કર્યા છે. રાજસ્થાનના કોટા-બૂંદ લોકસભા સીટના સાંસદ બિરલા હવે આસાનીથી સ્પીકર બની જશે. કારણ કે લોકસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતિ છે આ પદ માટે બુધવારે  ચૂંટણી થવાની શક્યતા જોવા મળી રહી છે.

માહિતી મુજબ વિપક્ષે લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષે સ્પીકર પદ માટે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આજે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી એવી અટકળો હતીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહનસિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ અહલુવાલિયા અને ડો.વિરેન્દ્ર કુમાર જેવા દિગ્ગજમાંથી એક પર ભાજપ પસંદગી ઉતારી શકે છે અને 17મી લોકસભાના અધ્યક્ષ માટે પસંદગી થઈ શકે છે. પરંતુ હંમેશા ચોંકાવતા પીએમ મોદીએ ઓમ બિરલા પર પસંદગી ઉતારી છે. જો બિરલા સ્પીકર બને છે તો તેઓ આઠ વાર સાંસદ રહી ચૂકેલા સુમિત્રા મહાજનના અનુગામી બનશે.