બિહારી બાબુ એવા જગત પ્રકાશ નડ્ડા હતા અચ્છા સ્વીમર: જાણો તેમના વિશે

જગત પ્રકાશ નડ્ડા રાજ્યસભાના સાંસદ છે અને રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી પ્રમુખ છે. 1960માં પટનામાં જન્મેલા બિહારી બાબુ એવા જગત પ્રકાશ નડ્ડા(જેપી નડ્ડા)એ બીએ અને એલએલબીની પરીક્ષા પટનાથી પાસ કરી હતી. તેઓ વિદ્યાર્થીકાળથી એબીવીપી સાથે જોડાયેલા રહ્યા હતા. વિદ્યાર્થીકાળમાં નડ્ડીએ ઓલ ઈન્ડીયા જૂનિયર સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. તેઓ અચ્છા તરવૈયા રહ્યા હતા. 1991માં લગ્ન થયા તેમની પત્નીનું નામ ડો.મલ્લિકા નડ્ડા છે અને તેમને ગિરીશ ચંદ્ર નડ્ડા અને હરીશચંદ્ર નડ્ડા એમ બે પુત્ર છે.


જેપી નડ્ડા પહેલી વાર 1993માં હિમાચલ પ્રદેશમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં ભાજપના નેતા તરીકે રહ્યા હતા. 1998માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને આરોગ્ય તથા સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
2007માં નડ્ડાએ ફરી વાર ચૂંટણી લડી અને પ્રેમકુમાર ધૂમલની સરકારમા તેમને પર્યાવરણ, વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
2012માં જેપી નડ્ડાને રાજ્યસભા માટે સાંસદ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. મોદી સરકારની પહેલી ટર્મમાં આરોગ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેમને ભાજપના કાર્યકારી અધ્યક્ષની કમાન સોંપવામાં આવી છે.ભાજપના અવિરત વિજયને જાળવી રાખવાની જવાબદારી હવે નડ્ડાના માથે આવી છે.