સ્ટંટ કરવા માટે પાણીમાં ગયેલા જાદૂગર ચંચલ લાપતા

જાદૂ માત્ર મનોરંજનનું સાધન જ નથી, એક વ્યવસાય પણ છે. પોતના વ્યવસાયને જીવિત રાખવા માટે જાદૂગરો દ્વારા નીત-નવા કરતબો કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના સોનારપુરમના રહીશ જાદૂગર ચંચલ લાહિરીએ રવિવારે એક સ્ટંટ કર્યું ત્યારથી તેઓ લાપતા બની ગયા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. જાદૂગર ચંચલે પોતાનો જાદૂ બતાવવા માટે પોતાની જાતને સાંકળોથી બાંધી દીધી હતી અને સાંકળો ખોલીને તેમને પાણીની બહાર આવવાનું હતું. લાંબા સમય સુધી ચંચલ બહાર નહીં આવતા પોલીસને જાણ કરવામાં આ હતી. કશુંક અજુગતું થયું હોવાની આશંકા સાથે ચંચલના પ્રશંસકોના દિલ ઉચાટ થઈ ગયા છે.

41 વર્ષીય લાહિરીએ આ કરતબ પહેલી વાર કર્યો ન હતો. તેમણે બે વાર આ કરતબ કર્યો હતો અને સલામત રીતે પાણીમાંથી બહાર નીકળ્યા હતા. 2013માં પણ ચંચલ જાદૂ કરતી વખતે મોતનો મુખમાંથી પાછા ફર્યા હતા. પણ આ વખતે કશુંક ખોટું થયું હોવાની આશંક સેવવામાં આવી રહી છે.

ચંચલ રવિવારે સવારે હાવડા બ્રિજની નીચે જાદૂ કરવા માટે પાણીમાં ઉતાર્યા હતા. બ્રિજની બરાબર નીચેથી તેઓ હૂગલી નદીમાં ઉતર્યા હતા. લાહિરીના સાથીઓએ તેમના શરીર તથા હાથ-પગને જાડી રસ્સીથી બાંધી દીધા હતા. ત્યાર બાદ સાંકળ સાથે તાળાબંધી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને ક્રેન મારફત નદીના પાણીમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ 24 કલાક વીતી ગયા હોવા છતાં લાહિરીનો કોઈ પતો લાગ્યો નથી.
કોલકાતાના ડે.પોલીસ કમિશનર સૈયદ વકાર રઝાએ કહ્યું કે જ્યારે ચંચલ કિનારા પણ નહીં આવ્યા તો લોકોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસે તરવૈયાઓની મદદ લીધી હતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદ લેવામાં આવી હતી. હજુ સુધી લાહિરીની ભાળ મળી નથી.