ગરમીથી બિહારમાં 61ના મોત, આ શહેરમાં હિંસાના લીધે નહીં પણ ગરમીને લઈ 144મી કલમ લાગૂ

પાછલા કેટલાક દિવસોથી દેશમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રિ-મોન્સુન સિઝન દરમિયાન વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે બિહારના પશ્ચિમી અને દક્ષિણી જિલ્લાઓમાં ભીષણ લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભીષણ લૂનાં કારણે બિહારમાં અત્યાર સુધીમાં અસંખ્ય લોકોના જાન  ગયા છે.

સૌથી વધુ મોત ઔરંગાબાદમાં થયા છે. ઔરંગાબાદમાં 30 લોકો મોતને ભેટ્યા છે. આ ઉપરાંત ગયામાં 20 અને નવાદામાં 11 લોકોના જાન ગયા છે. આ સાથે જ બિહારમાં અતિશય ગરમીના કારણે બે દિવસમાં માર્યા જનારાઓનો આંકડો 61 પર પહોંચી ગયો છે.

ભીષણ લૂના કારણે ગયાના કલેક્ટરે મૃત્યુઆંકને અંકૂશમાં લેવા માટે સમગ્ર જિલ્લામાં 144મી કલમ લાગૂ કરી દીધી છે. 144મી કલમ લાગૂ કરાતા ગયામાં હવે ટોળું થવા પર પ્રતિબંધ આવી ગયો છે. કલેક્ટરના આદેશ અનુસાર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તમામ સરકારી-બિન સરકારી અને મનરેગામાં કામ કરનારા મજૂરો અને ખુલ્લા મેદાનમાં થતાં કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

હવામાન નિષ્ણતોના મતાનુસાર બિહારમાં આ વર્ષે પ્રિ-મોન્સુન સિઝનમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની સક્રીયતા માત્ર ઉત્તર-પૂર્વના જિલ્લાઓ જેવાં કે ભાગલપુર, અરરિયા અને સુપૌલમાં જોવા મળી છે. જ્યારે પટના, ગયા અને નવાદા સહિતના પશ્ચિમી અને દક્ષિણી જિલ્લાઓમાં મે મહિનાના પખડવાડિયાથી લઈ અત્યાર સુધીન જૂન મહિના દરમિયાન એક-બે જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.

હાલ તાપમાન સામાન્ય કરતાં વધારે છે. પટનામાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ છે. આમ તો પંદરમી જૂનની આસપાસ વરસાદ શરૂ થઈ જાય છે, પણ આ વર્ષે અત્યાર સુધી વરસાદ પશ્ચિમી બંગાળ સુધી જ પહોંચ્યું છે. ચોમાસું બેસવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ભીષણ ગરમી પડી રહી છે.