વલસાડ પોલીસે જપ્ત કરેલી સુરત પાસીંગની ઈકો કારના સામાનની ચોરી

વલસાડ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા પ્રોહીબિશનના વાહનોને પોલીસ સ્ટેશનમાં જગ્યાના અભાવે ભીલાડ ખાતે તથા વલસાડ પોલીસ હેડ ક્વાર્ટરમાં જમા લેવામાં આવે છે. પરંતુ પોલીસની નિગરાની હેઠળ જપ્ત કરાયેલા વાહનોના સાધનોની ચોરી થતી હોવાનો આંખ ઉધાડનારો બનાવ બન્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. વાહનમાંથી સીએનજી કીટની ચોરી થઈ હોવાની વિગતોએ વલસાડ પોલીસની ઉંઘ બગાડી નાંખી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી પોલીસ મથકમાં પ્રોહીબિશન કેસમાં પકડાયેલી સુરત પાસીંગની ઇકો કાર વલસાડના હેડક્વાર્ટર ખાતે પોલીસ જાપ્તા હેઠળ મુકવામાં આવી છે. આ સ્થળે અન્ય જપ્ત કરાયલા વાહનો પણ મૂકવામાં આવ્યા છે. ચોંકાનારી માહિતી એ છે સુરત પાસીંગ ધરાવતી ઈકો કાર નંબર GJ5-JD,1293માંથી સીએનજી કીટની ચોરી થઈ છે. આ ઉપરાંત કારની અંદરનો સામાન પણ ચોરાઈ ગયો હોવાનું માલૂમ પડી રહ્યું છે. એટલું જ નહીં કારની બેટરી, ટાયર, લાઈટ્સ, અન્ય સિસ્ટમ પણ ચોરાયા હોવાની જાણકારી મળી રહી છે.

પોલીસ જાપ્તા હેઠળ મૂકવામાં આવેલી જપ્તીના વાહનોમાં ચોરી કરવામાં આવી હોવાથી વલસાડ પોલીસ માટે આની તપાસ કરવાની રહે છે કે પોલીસના ઘર આંગણેથી જપ્તીના વાહનમાંથી કોણ ચોરી કરી ગયું છે.

વલસાડ જિલ્લા પારડી પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલી ઇકો કારને ભીલાડ ખાતેના અત્યંત આધુનિક પોલીસ ક્વાર્ટર ખાતે મૂકવામાં આવી હતી. આ ક્વાર્ટરની દિવાલ પર લાખો રૂપિયાના ખર્ચે તારની વાડ બનાવવામાં આવી છે. તેમજ અહીંય પોલીસનો સતત જાપ્તો પણ રહેતો હોય છે.

 તસ્વીરમાં નજરે પડતી ઇકો કારમાંથી આખ્ખે આખ્ખું એન્જિન જ ચોરાઈ જાય છે. એન્જિન અને અન્ય ચીજ વસ્તુઓ ચોરાઈ જવાની ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. વલસાડ જિલ્લા ડીએસપી સુનીલ જોશી આ અંગે યોગ્ય તપાસ કરી ચોરને ઝડપી પાડશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. પોલીસની નાકની નીચેથી જપ્તીના વાહનમાંથી થયેલી ચોરીના કાંડ પરથી ક્યારે પરદો ઉંચકાય છે તે જોવાનું રહે છે.