ગુજરાતના ગામોમાં દલિત યુવાનોના વાળ કાપવાનો ઈન્કાર

ગુજરાતના કેટલાક ગામોના હેર કટીંગ સલૂનમાં દલિત યુવાનોના વાળ કાપવાની ના પાડી દેવામાં આવે છે. સત્તાવાળાઓ અને સામાજિક સંગઠનો આ વસ્તુને સારી પેઠે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ-1989 હોવા છતાં આવી ઘટનાઓ બની રહી છે. સમાજમાં હજુ પણ બદલાવ આવ્યો ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

દલિત સમાજ માટે આવી ભેદભાવભરી વૃત્તિ વર્ષોથી ચાલી રહી છે. 2018માં અમદાવાદના માંડલમાં દલિત યુવાનોએ પંચાયતને ફરીયાદ કરી હતી કે ગામના વાળંદો દલિત યુવાનોના વાળ કાપવાનો ઈન્કાર કરી રહ્યા છે. વાળંદોએ દલિત યુવાનોના વાળ કાપવાના બદલે પોતાની દુકાનો બંધ કરી દેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ફરીયાદો મળતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને ચાર જેટલા બાર્બર શોપ બંધ કરાવી દીધા હતા. આવી સ્થિતિમાં દલિત યુવાનો વિરમ ગામ કે માંડલ ગામની નજીકના ગામોમાં જઈ પોતાના વાળ કપાવતા હતા.

દલિતો સાથે થઈ રહેલા ભેદભાવ અંગે અમદાવાદના નવસર્જન ટ્રસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 2010માં દલિત યુવાનો સામે આવા પ્રકારના ભેદભાવના બનાવો વધ્યા હતા. 2010માં અંદાજે ગુજરાતના 1,589 ગામોમાં વાળ નહીં કાપવા અંગેની ફરીયાદોની તપાસ કરવામાં આવી હતી. 73 ગામોમાં સરવે કરવામાં આવ્યો હતો. આઝાદી પૂર્વેથી 1,160 ગામોમાં જે પ્રથા હતી તેમાં આઝાદી મળ્યા બાદ પણ કોઈ સુધારો થયો ન હોવાનું બહાર આવ્યું છે. આજદિન સુધી દલિતો પ્રત્યેની માનસિક્તામાં પરિવર્તન આવ્યું ન હોવાનું જણાઈ આવી રહ્યું છે.

ગુજરાતના 18,676 ગામોમાના આંકડા જોઈએ તો હજુ પણ 13,633 ગામોમાં દલિતો સાથેના ભેદભાવની ઘટનાઓ બની રહી છે. ગુજરાત માટે આ આંકડા શરમજનક પુરવાર થઈ રહ્યા છે. ગાંધીજીએ ગુજરાતમાં દલિત અને આદિવાસીઓ સાથેના ભેદભાવને નાબૂદ કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી પંરતુ આજે હાલત તદ્દન વિપરીત હોવાનું જણાય છે.

દલિતો સાથે અત્યાચારના કિસ્સા ઘટવાના બદલે વધી રહ્યા છે. પાછલા પંદર વર્ષમાં ગુજરાતમાં નોંધાયેલા દલિત અત્યાચારના કિસ્સામાં 70 ટકાનો વધારો થયો છે અને તેની સામે દોષિતોને સજાનું પ્રમાણ પાંચ ટકા કરતાં પણ ઓછું છે.

દલિતો સાથે એપ્રિલ અને મે મહિનામાં અત્ચાયાર અને દમનના ખાસ્સા કિસ્સા નોંધાયા છે. લગ્નમાં વરઘોડો કાઢવાનો હતો ત્યારે ભદ્ર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક ગામોમાં ઉચ્ચ જાતિઓએ દલિતોનો બહિષ્કાર કરેલો છે. બાઈક ચલાવવાથી લઈ, બાઈક પર રંગબેરંગી સ્ટીકર મૂકવા, સ્ટાઈલિશ હેર કટ રાખવા વગેરેનો ઉચ્ચ જાતિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દલિતો પર હુમલાના પણ બનાવો નોંધાયા છે.

દલિત યુવાનો વાળ કાપવાની ઝૂંબેશ ચલાવનારા ટ્રેન્ટ ગામના અશોક પરમારે કહ્યું છે કે આજે પણ અમારા ગામના હેર કટીંગ સલૂન બંધ છે. વાળંદો પોતાના ઘરોમાં ઓબીસી અને અન્ય જાતિઓના વાળ કાપે છે. ગામના દલિતો ખૂબ જ ગરીબ છે અને દૈનિક વેતનરો છે. ઉચ્ચ જાતિઓ સાથે મૂકાબલો કરી શકવા અસમર્થ છે. ફરીયાદ કરીએ છીએ તો અમારા જેવા લોકો પર દબાણ કરવામાં આવે છે, અને ક્યારેક હુમલા પણ થાય છે.   

અમદાવાદ નવસર્જન ટ્રસ્ટના કિરીટ રાઠોડ પાછલા કેટલાક વર્ષોથી દલિત અધિકારો માટે લડત ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પાછલા નવ વર્ષનો રેકોર્ડ જોતાં આજે પણ સ્થિતિમાં સુધારો થયો નથી. ગુજરાતના ગામોમાં ભેદભાવનો સિલસિલો ચાલુ જ છે. દલિતો કૂવામાંથી પાણી ખેંચી શક્તા નથી. ચાની દુકાનોમાં વાસણોમાં ચા પી શક્તા નથી.  પંચાયતમાં ખુરશીમાં બેસી શક્તા નથી. ધાર્મિક સ્થળોમાં પ્રવેશ કરવા દેવાતો નથી. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા દેવામાં આવતા નથી.

તેમણે કહ્યું કે ટ્રેન્ટ ગામમાં દલિતોના વાળ કાપવાને લઈ આવેલી ફરીયાદો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પંચાયતને પણ લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી બાર્બર શોપમાં દલિતોના વાળ કાપવામાં આવી રહ્યા નથી. રાજ્ય સરકારે દલિતો સાથે થઈ રહેલા ભેદભાવ નાબૂદ કરવા માટે ગ્રામ્ય અને તાલુકા સ્તરે કાર્યક્રમો રાખવાની જરૂર છે., જેથી કરીને દલિતો સાથેનો ભેદભાવ દુર થાય.

કિરીટ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, “પંચાયતોએ એવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ કે જેમાં ઉચ્ચ જાતિઓ અને દલિતોને એકસાથે ચા પીવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે જ કુવાઓમાંથી પાણી કાઢે છે તેમાંથી દલિતોને પણ પાણી કાઢવા દેવામાં આવવું જોઈએ. સાથે અભ્યાસા કરી શકે તેવો માહોલ ઉભો કરવાની જરૂર છે. આવા કાર્યક્રમો અગાઉ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ હવે રાજ્ય સરકારે ઇનકાર કર્યો છે. પટેલો, ક્ષત્રિયો, બ્રાહ્મણો સહિત અન્ય જાતિઓ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.  

ગુજરાતના જાણીતા દલિત નેતા અને વડાગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય બંધારણના લેખ 17 એ લાંબા સમયથી અસ્પૃશ્યતાને નાબૂદ કરી દીધી છે અને નાગરિક અધિકાર અધિનિયમના રક્ષણ હેઠળ અસ્પૃશ્યતા કરવી એ ગુનો છે. પરંતુ આ છતાં, ગુજરાતના 1,500 થી વધુ ગામોમાં અસ્પૃશ્યતાનો અમલ કરવામાં આવે છે અને એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું કે જ્યારે મેં ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે સમગ્ર ભાજપ ચૂપ હતો. સરાકરે આ જાતિવાદી પ્રથાને દૂર કરવાનો કોઈ ખાતરી આપી નથી. આ બધી બાબતો ભાજપ સરકારની ઉદાસીનતા અને નબળાઇ બતાવે છે, પરંતુ તે પણ બતાવે છે કે ભાજપ ઉચ્ચ જાતિના લોકોને કેવી રીતે ટેકો આપી રહી છે.