ટેરર ફન્ડીંગ કેસમાં વલસાડના આરીફ ધરમપુરીયાની ધરપકડ કરતી NIA

વલસાડના ખાટકીવાડમાં રહેતા અને દુબઈમાં મોબાઈલની શોપમાં કામ કરતા આરીફ ધરમપુરીયા અંગે NIA દ્વારા 23મી જાન્યુઆરીએ વલસાડ ખાતેના તેના નિવાસે તપાસ કરવામાં આવી હતી અને આરીફના ભાઈ ઝૂબેર ધરમપુરીયાની પૂછપરછ કરી હતી. NIAએ આજે આ કેસમાં દિલ્હી એરપોર્ટ પરથી આરીફ ધરમપુરીયાની ધરપકડ કરી હોવાની માહિતી જાણવા મળી રહી છે. NIAની ટીમના સૂત્રોએ જણાવ્યું છે કે આરીફ ધરમપુરીયા લશ્કરે તોયબાની સંકળાયેલા ફલાહે ઈન્સાનિયત નામના સંગઠન સાથે સંકળાયેલો છે અને આતંકવાદ માટે ફંડ એકત્ર કરી રહ્યો હતો.

NIAએ આરીફની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પાછલા કેટલાય વર્ષોથી તે દુબઈમાં સંતાયેલો હતો. આરીફ અંગે લૂક આઉટ નોટીસ પણ ઈશ્યુ કરવામાં આવી હતી. દુબઈથી પરત વખતે NIAએ આરીફ ધરમપુરીયાની ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે ધરપકડ કરી હતી.

આરીફ ધરમપુરીયા વિરુદ્વ અન-લોફૂલ એક્ટિવિટી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અન-લોફૂલ એક્ટિવિટી(પ્રિવેન્શન) એક્ટ-1967ની કલમ 17, 18, 21, 38 અને 40 મુજબ ટેરર ફન્ડીંગ માટે ગુનો નોંધવામાં આવ્યો છે.

એફઆઈઆર પ્રમાણે દિલ્હી સ્થિત કેટલાક લોકોએ ફલાહે ઈન્સાનિયત ફાઉન્ડેશન દ્વારા આતંકવાદી ગતિવિધિ કરવા માટે ફંડ આપવામાં આવ્યું હતું. લાહોર સ્થિત ફલાહે ઈન્સાનિયત ફાઉન્ડેશનની સીધી સાંઠગાંઠ જમાત-ઉદ-દાવા અને લશ્કેર તોયબા સાથે હોવાનું માનવામાં આવે છે.

23મી જાન્યુઆરીએ NIAની ટીમે વલસાડના ખાટકી વાડ ખાતે આરીફ બશીર ધરમપુરીયાના ઘરે તપાસ કરી હતી ત્યારે તેના ઘરમાંથી ચેક બૂક અને અન્ય ડોક્યુમેન્ટ્સની કોપી કબ્જે કરવામાં આવી હતી. તે સમયે એવી આશંકા હતી પાંચ કરોડ રૂપિયા જેવી માતબર રકમ હવાલા મારફત ભારતમાં લાવવામાં આવી હતી અને તેનો મુખ્ય સૂત્રધાર આરીફ ધરમપુરીયા હોવાનું ખૂલ્યું હતું. આરીફ ધરમપુરીયાની ધરપકડ થયા બાદ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા જોવા મળી રહી છે.