નંદન કૂરિયરના ટેમ્પોમાંથી ગુજરાતથી મૂંબઈ ઘૂસાડવામાં આવતો બે કરોડનો ગુટખાનો જથ્થો ઝડપાયો

મુંબઈ પોલીસે ગુરુવારે બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ગુટખાના જથ્થાને અંધેરીના ચકાલા ખાતેથી સીઝ કર્યો હતો. આ ગુટખાનો જથ્થો પ્રખ્યાત નંદન કૂરિયરના ટેમ્પોમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ગુજરાતમાંથી આ ટેમ્પો મહારાષ્ટ્રમાં ઘૂસાડવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ કરતા નંદન કૂરિયરના ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો જણાઈ આવતા પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે નંદન કૂરિયરના ટેમ્પોને ચકાલા ખાતે આંતરવામાં આવ્યો હતો અને ડ્રાઈવર સહિત ટેમ્પોમાં હાજર શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ટેમ્પોમાંથી ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રો મુજબ નંદન કૂરિયર દ્વારા પાછલા કેટલાક સમયથી ગુટખાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી નંદન કૂરિયરના ટેમ્પોમાંથી ગુટખાના જથ્થાને ઝડપી પાડ્યો છે.

મહારાષ્ટ્રમાં ગુટખાના ખરીદ-વેચાણ અને ખાવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પોલીસે નંદન કૂરિયર વિરુદ્વ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નંદન કૂરિયરની આવા પ્રકારની ગતિવિધિને લઈ પોલીસ પણ ચોંકી ગઈ છે. ગુટખાના કારણે ક્ન્સરનો રોગ થાય છે અને દર વર્ષે લાખો લોકો આ રોગમાં મરણને શરણ થતાં હોવાથી મહારાષ્ટ્રમાં ગુટખાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.