રૂપાણી સરકારમાં ફેરફાર: મંત્રીઓના ખાતા બદલાશે, ચારેક મંત્રી પડતા મૂકાશે, અલ્પેશ-વાઘાણીની એન્ટ્રી?

રાજ્યસભાની ચૂંટણીની જાહેર થતાં જ ફરી એક વખત રાજકીય ગરમાટો શરૂ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ફેરબદલની અટકળો પુન: શરૂ કરી દેવામાં આવી છે. આ અટકળો શરૂ કરવા પાછળ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્યોમાં રહેલા અસંતોષને થાળે પાડવાની કોશીશના ભાગરૂપે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ફેરફાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં કરવામાં આવે તેવી શક્યતા નહિંવત છે. રાજ્યસભાની ચૂંટણી બાદ રૂપાણી સરકારનો ગંજીફો ચીપાશે એવું માનવામાં આવી રહ્યું છે.

રૂપાણી કેબિનેટના સંભવિત ફેરફારમાં જે મંત્રીઓને પડતા મૂકવાની અટકળ ચાલી રહી છે તેમાં યોગેશ પટેલ, દિલીપ ઠાકોર, વાસણ આહીર અને પરષત્તોમ સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

જ્યારે નવા મંત્રીઓ તરીકે કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ સૌથી ટોપ પર છે. અલ્પેશ ઠાકોરના મામલે ભાજપની શિર્ષ નેતાગીરી શું નિર્ણય કરે છે તેના પર બધો દારોમદાર રહેલો છે. ત્યાર બાદ ગુજરાત પ્રદેશના ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જીતુ વાઘાણીને પ્રમુખ પદેથી હટાવી કેબિનેટ મંત્રી બનાવવામાં તેવી ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સ્પીકરમાંથી મંત્રી પદ આપીને તેમને સરકારનો હિસ્સો બનાવવાની વાત ચાલી રહી છે. જ્યારે હાલમાં ગૃહ ખાતાના રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. રાઘવજી પટેલની પણ મંત્રી મંડળમાં એન્ટ્રી થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ આરસી ફળદુને ફરી સંગઠનનો દોરીસંચાર સુપરત કરવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે નીમાબેન આચાર્યને સ્પીકર તરીકે શિરપાવ આપવામાં આવે તેવી માહિતી મળી રહી છે. અગાઉ પણ નીમાબેનનું નામ સ્પીકર રેસમાં ચર્ચાયું હતું જરૂર પણ સ્પીકર પદ ત્રિવેદી લઈ ગયા હતા. હવે ત્રિવેદીને મંત્રી બનાવવાની ચર્ચા વચ્ચે ફરી નીમાબેનનું નામ મંત્રીના બદલે સ્પીકરમાં ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત કૌશિક પટેલ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે મંત્રી પદ ગુમાવે તો નવાઈ પામવા જેવું  રહેશે નહીં. બીજી મહત્વની વાત એ છે કે તમામ મંત્રીઓને ખાતા પણ બદલાવામાં આવી તેવી શક્યતા જોવા મળી રહી છે.

અન્ય એક મહત્વની ચર્ચામાં ત્રણથી ચાર જેટલા સંસદીય સચિવ પણ નિમવામાં આવશે. સંસદીય સચિવમાં જેઠા ભરવાડ અને સુરતમાંથી એકાધિક ધારાસભ્યનો નંબર લાગે તેવા વર્તારા મળી રહ્યા છે.