બિહારમાં 48 બાળકોના મોત, કારણ છે લીચી, વેપારીઓમાં ખળભળાટ

મુઝફ્ફરપુરના અને તેની આજુબાજુના જિલ્લાઓમાં 48 બાળકોના મૃત્યુની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું આ તમામ બાળકોના મોત લીચીના કારણે થયા છે? બિહાર સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી જોતાં તો એવું જ લાગે છે. 

બિહાર સરકારના આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડી માતા-પિતાઓને સલાહ આપી છે કે તેઓ પોતના બાળકોને ખાલી પેટ લીચી ન ખવડાવે. આ ઉપરાંત અગમચેતીના રૂપે તથા આરોગ્યને ધ્યાને લઈને પણ લીચી ખાવાથી દુર રહે. મુઝફ્ફરપુરના સરકારી હોસ્પિટલમાં બાળકોના રોગ નિષ્ણાત અને સિવિલ સર્જન એસપી સિંહએ પણ વાલીઓને સલાહ આપી છે કે જો બાળકો ખાલી પેટ લીચી ખાય છે તો તેમને સૂતાં પહેલાં ભરપેટ ખવડાવો અને સવારે નાસ્તો પણ સારો એવો કરાવે. બિહાર સરકાર એવા તારણ પર આવી છે તે મોત નોતરતા મગજના તીવ્ર રોગ એક્યુટ ઈન્સેફાલિટીસ સિન્ડ્રોમ(AES)ના લક્ષણો બાળકોમાં જોવા મળ્યા છે.

આ સિન્ડ્રોમ મઝફ્ફરપુર અને તેની આજુબાજુના જિલ્લાઓમાં ઉગાડવામા આવતી લીચીમાં જોવા મળ્યા છે. ભોગ બનેલા બાળકોમાં મોટાભાગના ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના હતા. આ લોકો સવારથી જ લીચીના ખેતરોમાં ભટકતા હતા અને તેને હાંસલ કરી ખાતા હોવાનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. આના કારણે બાળકો કૂપોષણ પામ્યા અને રોગનો શિકાર બન્યા.

મીઠું અને અર્ધપારદર્શક ફળ લીચી બાળકોમાં હાઈપોગ્લાયકેમિક એન્સેફાલોપથી નામની જીવલેણ ચયાપચયની બિમારી લાગુ કરતું હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને જેઓ યુવાન છે અને નબળા આહારનો ઉપયોગ કરે છે તેમના પણ રોગના લક્ષણો ઝડપથી વિકસિત થતા હોવાનું ધ્યાને આવ્યું છે. લીચીમાંથી મળેલું રાસાયણિક મેથિલેન સાયક્લોપ્રોપિલ-ગ્લાયસીન (MCPG) મગજની માંસપેશીઓ તથા શરીરના સ્યુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. સત્તાવાર આંકડાઓ જોતાં હાયપોગ્લાયસીમિયાને લીધે આ વર્ષે અત્યાર સુધીમાં 46 બાળકો મૃત્યુ પામ્યા છે અને ડિસેઇલેક્ટ્રોલિટેમિયાને લીધે એક બાળકનું મોત થયું છે. 2018માં 40 બાળકો મોતને ભેટ્યા છે.
બાળકોના મૃત્યુનું કારણ જાણવા માટે કેન્દ્ર સરકારની સાત સભ્યની ટીમે બુધવારે મુઝફ્ફપુરની મુલાકાત લીધી હતી. જોકે તપાસ ટીમ હજુ પણ રોગ ફેલાવાના ચોક્કસ કારણો આપી શકી નથી.

વૈજ્ઞાનિકો અને સંશોધકોના આ અંગે વિવિધ દ્રષ્ટિકોણ બહાર આવ્યા છે. વૈલ્લોર સ્થિત બાળરોગવિજ્ઞાની અને રોગશાસ્ત્રી ડૉ. ટી. જેકોબ જ્હોનના મત મુજબ લીચીમાં  રહેલું ટોક્સીન ઝેરી રોગનું કારણ બની રહ્યું છે. બિહાર સરકાર દ્વારા બનાવેલા કમિશનમાં ડૉ. જ્હોન પણ સામેલ હતા અને તેમણે અધ્યયન કરીને તૈયાર કરેલા તારણો ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના જર્નલ કરન્ટ સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચ-લખનૌના ડો. અરુણ શાહ સાથે  ડૉ. જ્હોને સંયુક્ત રીતે તૈયાર કર્યું હતું.

ડૉ. જ્હોને તેમના રિપોર્ટમાં લખ્યું છે કે “2013ની CDC સંશોધનમાં જણાવાયું છે કે લીચીના બીજમાં ઝેરી પદાર્થ હોય છે જે હાઈપોગ્લાયકેમિઆનું કારણ બને છે, તે સ્યુગર લેવલને ઓછું કરે છે. જોકે, બાળકો ભાગ્યેજ બીજ ગળી જાય છે. તેઓ લીચી ફળો ગળી જાય છે; તેથી રોગનું કારણ અસ્પષ્ટ જ રહ્યું છે. અમારા સંશોધનોએ પુષ્કળ અને અર્ધ-પાકેલા લીચીમાં મેથિલેન સાયક્લોપ્રોપિલ-ગ્લાયસીન (MCPG) નામના ઝેરી પદાર્થ હોવાનું શોધી કાઢ્યું છે અને આ પદાર્થ બાળકોમાં હાઈપોગ્લાયકેમિઆનું કારણ બને છે, જે મૃત્યુ તરફ દોરી જાય છે.”

કિસાન ભૂષણના નેતા એસ,કે,દુબેએ ક્હયું કે “જો બાળકોના મોત પાછળ લીચી જવાબદાર છે તો લીચીના વેપાર પર આની ખરાબ અસર પડશે. જોકે, હાલમાં લીચીના વેપારમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સંશોધકોએ રોગ ફેલાવા પાછળના ચોક્કસ કારણો શોધવા જોઈએ. રોગ પાછળ વાયરસ હોવાનું દુબેએ જણાવ્યું છે.