વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલી હોટલમાં ડ્રેનેજ લાઈન સાફ કરતી વખતે શ્વાસ રૂંધાતા સાત સફાઈ કર્મચારીઓના મોત નિપજ્યા છે. વડોદરાથી 30 કિ.મી. દુર આવેલા ડભોઈના ફર્તીકુઈ નામના ગામમાં આવેલી દર્શન હોટલમાં આ ઘટના ગઈ રાત્રે બની હતી. ઘટનામાં મોતને ભેટલાઓમાં ત્રણ હોટલના કર્મચારીઓ હતા.
જિલ્લા અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓને મેઈન હોલ સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે એક સફાઈ કર્મચાર મેઈન હોલમાંથી બહાર નહીં આવ્યો તો તેને જોવા માટે અન્ય કર્મચારીઓ અંદર ગયા અને તમામનું શ્વાસ રૂંધાવાના કારણે મોત નિપજ્યું હતું.
કિરણ ઝવેરીએ કહ્યું કે ઘટનાની જાણ થતાં અધિકારીઓ સહિત તેઓ પોતે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. વડોદરા મહાનગરપાલિકામાં ફાયર વિભાગ અને ડભોઈના સ્થાનિક કર્મચારીઓ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું પરંતુ કોઈ બચી શકી ન હતું. ત્રણ કલાકની જહેમત બાદ તમામના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોસ્ટ મોર્ટમ બાદ સાતેય કર્મચારીઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે હોટલના માલિક હસન અબ્બાસ ઈસ્માઈલ ભોરાણીયા હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે ચારેય સફાઈ કર્મચારીઓ થુવાવી ગામના રહીશ હતા અને તેમને સફાઈ કરવા બોલાવવામાં આવ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે સફાઈ કર્મચારીઓની સલામતી અંગે કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવતી નથી.
પોલીસે જણાવ્યું કે ડ્રેનજ લાઈનમાં ઝેરી ગેસના કારણે તમામ બેભાન થઈ ગયા હતા અને તેમના મોત નિપજ્યા હતા. દરમિયાનમાં ગુજરાત સરકાર મતૃકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેર કરી છે. સરાકરે હોટલના માલિક વિરુદ્વ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.