સુરતમાં સ્કૂલ ઓટોના ચાલકોએ બે દિવસથી હડતાળ પાડી દીધી છે અને સોમવારથી સ્કૂલ ઓટો ફરી ધમધમશે એવી ચર્ચા ચાલી રહી છે ત્યારે સ્કૂલ ઓટો ચાલકોની કમાણી જાણીને ચોંકી જવાય એમ છે. એક રીક્ષામાં ઠાંસી-ઠાંસીને બાળકોને ઘેંટા-બકરાની જેમ ભરીને લઈ જતાં ઓટોવાળા દુખે છે પેટ અને કૂટે છે માથું જેવો ઘાટ સર્જી રહ્યા છે.
સ્કૂલ ઓટોવાળા આખા દિવસમાં સરેરાશ બે ફેરા સ્કૂલની વિવિધ વર્ધીના મારે છે. એક ફેરામાં ઓછામાં ઓછા 12થી 15 બાળકોને ભરી જાય છે. આમ સ્કૂલ મૂકવા માટે બે ફેરા કરતા સ્કૂલ ઓટોવાળા સીધી રીતે એક બાળક દીઠ 300થી 400 રૂપિયા પ્રતિ મહિનાનાં વસુલ કરે છે. સામે રીક્ષા કે અન્ય વાહનમાં માંડ-માંડ 200થી 300 રૂપિયાનું સીએનજી વપરાય છે. હવે બાળકોની સંખ્યા ગણીએ તો એક ફેરામાં 12થી 15 બાળકો હોય છે જેથી કરીને એક ફેરામાં જ રીક્ષા ચાલકો પ્રતિ મહિને 200 રૂપિયા લેખે 24000 હજાર અને 300 રૂપિયા લેખે 36000 હજાર કમાવી લે છે. જ્યારે સામે પક્ષે આખાય મહિના દરમિયાન પાંચથી સાત હજારનું સીએનજી માંડ વપરાય છે.
હવે સ્કૂલની વર્ધી માર્યા બાદ આ રીક્ષા વાળાઓ કાંઈ ઘરે જઈને સૂઈ જતા નથી. રોડ પર નીકળીને પેસેન્જરોને નક્કી કરેલા વિસ્તારોમાં ભાડું વસુલ કરીને મૂકી આવે છે. જેની કમાણીનો કોઈ હિસાબ મળતો નથી. પણ જાડો હિસાબ કરીએ તો આવી રીતે રીક્ષાવાળા ઓછામાં ઓછા આઠથી દસ હજાર રૂપિયા સ્કૂલ વર્ધી સિવાયના પણ કમાવી લેતા હોય છે.
મહત્વની વાત એ છે કે વર્ધી મારતા સ્કૂલ ઓટોવાળા વાલીઓ પાસેથી વર્ષના બે દોઢ મહિના ઉનાળું વકેશન અને 21 દિવસના દિવાળી વેકેશનના પણ રૂપિયા વસુલ કરે છે. જે ખરેખર વસુલ કરવાના હોતા નથી. ફૂલ્લી દાદાગીરી પણ કરતા હોય છે. નિયમો વિરુદ્વ ચાલવું છે અને ધીકતી કમાણી પણ કરવી છે. આવી નીતિ સાથે જેને આપણે બિચારા બાપડા કહીએ છીએ તેવા સ્કૂલ ઓટો માટે નવેસરથી વિચારણા કરવાની જરૂર છે.
પોલીસ અને આરટીઓ દ્વાર સ્કૂલ ઓટો માટે નિયમ ઘડવાનો સમય આવી ગયો છે. વાલીઓને ભલે આજે મુશ્કેલીઓ પડી રહી હોય પણ પોતાના બાળકોની સલામતી માટે વાલીઓએ પણ વિચારવાનું છે અને પોલીસ અને આરટીઓની કાર્યવાહીમાં સાથ સહકાર આપવો જ રહ્યો નહિંતર બેફામપણે બાળકોને રીક્ષામાં ઘેંટા-બકરાની જેમ ભરી જતાં સ્કૂલ ઓટોવાળા આવી જ રીતે વાલીઓના ગજવા ખંખેરતા રહેશે.