માંડવીમાં મલ્ટી પરપઝ સાયક્લોન શેલ્ટર સેન્ટરને જોતાં લાગે છે કે વિકાસ અભરાઈએ ચઢ્યો

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(GSDMA) દ્વારા નેશનલ સાયક્લોન રિસ્ક મીટીગેશન પ્રોજેક્ટ(NCRMP) હેઠળ ગીર સોમનાથના માંડવી તાલુકાના પીપલી ગામે મલ્ટી પરપઝ સાયક્લોન સેન્ટરના નામે ખાલી ખોખું ઉભું કરી દેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડા વખતે ઉપયોગી થઈ શકે તેવું બહુહેતુક સાયક્લોન સેન્ટર પાછળ સરકારે કરોડો રૂપિયો ધૂમાડો કર્યો છે પરંતુ અગમ્ય કારણોસર સાયક્લોન શેલ્ટર સેન્ટરનું કામ આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવ્યું ન હોવાનું સ્થળ નિરીક્ષણ કરતાં માલૂમ પડી રહ્યું છે.

જૂનાગઢના R & B વિભાગ દ્વાકા વર્લ્ડ બેન્કની સહાયથી 980.44 લાખના ખર્ચે સાયક્લોન શેલ્ટર સેન્ટરનું કામ સત્તાવાર રીતે મૂકવામાં આવેલા બોર્ડમાં 15-12-2015માં શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જણાય છે અને આ પ્રોજેક્ટને 14-11-2016માં પૂર્ણ કરી દેવાની તારીખ નક્કી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પીપલી ગામે સાયક્લોન શેલ્ટર સેન્ટરના નામે સિમેન્ટ કોંક્રીટનું માળખું જ જોવા મળી રહ્યું છે. સેન્ટરમાં સાયક્લોન સંબંધિત સાધન-સામાગ્રી ફીટ કરવામાં આવી નથી કે અહીંયા કોઈ સાયક્લોનિક સિસ્ટમ સક્રીય થાય તો કર્મચારીઓ કે અધિકારીઓ નજરે પડી રહ્યા નથી.

પાછલા ત્રણ વર્ષથી ખાલી ખાખું ઉભું કરી દેવાયું છે..

આ તો સારું થયું કે વાયુ વાવાઝોડાએ ગુજરાતથી પોબારા ગણ્યા નહિંતર ગુજરાતની શું સ્થિતિ સર્જાઈ હોત એની કલ્પના પણ કરી શકાય એમ નથી. વિકાસની આલબેલ પોકારતી ગુજરાત સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છ-ભૂજમાં ભૂકંપ અને સાયક્લોન પ્રોજેક્ટ માટે આટલી બધી ઉદાસીન છે તે વાતને લઈ સરકારની દાનત પર શંકા ઉભી થઈ રહી છે. પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે શા માટે પાછલા ત્રણ વર્ષથી આ સાયક્લોન શેલ્ટર સેન્ટરને ધમધમતું કરવામાં આવ્યું નથી.