સુરતના ઓલપાડ તરફ આવતા દાંડી રોડ પર આવેલા પ્રેમ ભારતી સાંકેત હિન્દી વિદ્યાલયમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. શાળા ચાલુ થઈ ન હોવાથી અન્ય કોઈ પ્રકારની હાનિ થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ સ્કૂલ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. શાળા શરૂ થઈ ન હતી અને વિદ્યાર્થીઓ શાળાની બહાર હોવાથી સદનસીબે અજૂગતી ઘટના સર્જાઈ ન હતી.
આગ આલવાયા બાદ તપાસ કરતા શાળા સંચાલકોએ ફાયર સેફટીના અનુસંધાને ફાયરની NOC મેળવી ન હતી. NOC ન હોવાથી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું અને જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધાની NOC નહીં મેળવાય ત્યાં સુધી શાળાના સીલને ખોલવામાં આવશે નહીં તેવું સૂત્રોએ જણાવ્યું છે. શાળા સંચાલકોની બેદરકારીના કારણે બાળકોનું ભણતર બગડશે.
ગયા મહિનાન 24મી તારીખે સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી અને 22 બાળકો મોતને ભેટ્યા હતા ત્યાર બાદ સુરત મહાનગરપાલિકાએ ફાયર સેફટીને લઈ શરૂ કરેલા અભિયાનમાં ફાયરની સુવિધાની NOC ન હોય તેવી શાળાઓને નોટીસ આપી હતી. NOC ન હોવા છતાં શાળા સંચાલકો શાળા કેવી રીતે શરૂ કરી દીધી એ પ્રશ્ન પણ હાલ ચર્ચાઈ રહ્યો છે.