સુરતની બાઇકિંગ ક્વિન્સ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી

વિશ્વભરમાં પ્રખ્યાત બાઇકિંગ ક્વિન્સ 12 જૂન, 2019ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ (ચાઇના બાજૂ) પહોંચનાર સુરતની પ્રથમ વુમન્સ ગ્રુપ બની છે. નારી ગૌરવ અને મહિલા સશક્તિકરણનો સંદેશો પાઠવવા માટે ભારતથી લંડન સુધી બાઇક સવારી કરનારી આ ત્રણ મહિલાઓ તિબેટ રિજનમાં પ્રવેશી હતી અને ત્યાંથી પોતાની બાઇક ઉપર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હતી.

બાઇકિંગ ક્વિન્સના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, અમે ચાઇનામાં તિબેટ તરફ ઉત્તરની બાજૂએ બાઇક ઉપર 5200 મીટર (17,056 ફુટ) ઉપર એવરેસ્ટ બેઝ કેમ્પ  સુધી પહોંચ્યાં હતાં. આ રાઇડ ખુબજ મૂશ્કેલભરી હતી કારણકે આટલી ઉંચાઇ ઉપર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તથા ઠંડીને કારણે બાઇક ચલાવવામાં પણ સમસ્યા પેદા થાય છે. જોકે, અમે સુરક્ષિત ડ્રાઇવ કરીને બેઝ કેમ્પ સુધી પહોંચ્યાં. ત્યાંથી માઉન્ટ એવરેસ્ટનો વ્યૂ અદ્ભુત હતો અને ડ્રાઇવિંગનો આ અનુભવ પડકારજનક હોવાની સાથે રોમાંચક રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરતની બાઇકિંગ ક્વિન્સ આગામી ત્રણ મહિના દરમિયાન એશિયા, યુરોપ અને આફ્રિકા એમ ત્રણ ખંડોના 25થી વધુ દેશોની ઐતિહાસિક સફળ કરીને ભારતથી લંડન પહોંચશે. આ ઐતિહાસિક બાઇકિંગ અભિયાનને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લીલી ઝંડી આપી હતી.

મહત્વપૂર્ણ છે કે બાઇકિંગ ક્વિન્સ ભારતમાંથી નેપાળ, ભુટાન, મ્યાનમાર, લાઓસ, ચાઇના, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટિવિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન અને મોરક્કો થઇને યુનાઇટેડ કિંગ્ડમ સુધીનો લાંબો અને પડકારજનક પ્રવાસ ખેડશે. અગાઉ કોઇપણ ભારતીય વ્યક્તિએ આ માર્ગે લાંબો પ્રવાસ ખેડ્યો નથી.