શું રાજ્યસભાની ચૂંટણીમાં ગરબડ થશે? કોંગ્રેસે કરી એક જ દિવસે ચૂંટણી યોજવાની માંગ

ફરીવાર ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ ગરબડની આશંકા, અમિત શાહ-સ્મૃતિ ઈરાનીની ખાલી સીટ પર એક જ દિવસે ચૂંટણી કરવા માંગ
રાજ્યસભાની ચૂંટણીમાં ફરીવાર ગરબડની આશંકા દર્શાવી કોંગ્રસે માંગ કરી છે કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી સીટ પર એક જ દિવસે ચૂંટણી યોજવામાં આવે. કોંગ્રેસે કહ્યું ક ચૂંટણી ટાળવી એ કાયદાનું ઉલ્લંઘ છે. અમિત શાહની સીટ ખાલી થવાનું નોટીફિકેશન 28 મેનું છે જ્યારે સ્મૃતિ ઈરાનીનું નોટીફિકેશન 29 મેનું છે.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો છે કે અમને વિશ્વસનીય સૂત્રો પાસેથી ખબર મળી છે કે ચૂંટણી પંચ ખાલી પડેલી બન્ને સીટો પર અલગ અલગ તારીખે ચૂંટણી કરવા વિચારણા કરી રહ્યું છે. બન્ને સીટ પર અલગ અલગ તારીખે ચૂંટણી યોજવી ગેરબંધારણીય બની રહેશે. ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે બન્ને સીટ પર એક જ સમયે ચૂંટણી યોજવામાં આવે.
સિંઘવીએ કહ્યું કે જો એક જ સમયે બન્ને સીટની ચૂંટણી થાય તો એક સીટ સત્તાધારી પાર્ટી ભાજપ અને એક સીટ વિપક્ષ કોંગ્રેસ જીતી શકે છે. અલગ અલગ ચૂંટણી થાય તો આ સંપૂર્ણપણે ખોટું હશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ આ મામલાની રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડી તો કોર્ટમાં પણ જઈશું.

અત્રે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાની જીતી ગયા છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ બન્ને રાજ્યસભાના મેમ્બર રહેતા નથી. રાજ્યસભા સચિવે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી જીતનારા અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદ હવે રાજ્યસભાના મેમ્બર રહ્યા નથી. જ્યારે ડીએમકેના કનિમોઝી પણ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભામાંથી આઉટ થઈ ગયા છે.

ભાજપે કોંગ્રેસના આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે ગુજરાતની બન્ને સીટ પર ભાજપ જ જીતશે.