મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આપદા સામે સૌ નાગરિક ભાઇ-બહેનોને માનવશક્તિથી સંગઠિત થઇને સામુહિક પુરુષાર્થ દ્વારા મક્કમતાથી સામનો કરી ઓછામાં ઓછું જાનમાલનું નુકસાન થાય તે જોવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સૈા નાગરિકોને આ અપીલ કરતાં કહ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છના ૧૧ જિલ્લાઓમાં સંભવિત વાયુ વાવાઝોડું આવી રહ્યું છે.’
તા. ૧૩મીની વહેલી સવારે આ સંભવિત વાવાઝોડું કલાકના ૧૨૦ થી ૧૩૦ કિમી.ની ઝડપે પવન અને વરસાદ સાથે વેરાવળ અને દિવના દરિયાકિનારે પહોંચવાની સંભાવના છે. આ સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા રાજ્ય સરકારે પૂરી સજ્જતાથી આયોજન કર્યું છે તેમાં સૈાનો સહયોગ જરૂરી છે.
સીએમ રૂપાણીએ અપીલ કરતાં કહ્યું કે હું અપીલ કરું છું કે, ‘૧૧ જિલ્લા અને ૩૧ તાલુકાના ૩ લાખ જેટલા લોકો જે કાચા મકાનોમાં રહે છે તેમના માટે ૭૦૦ જેટલી જગ્યાઓએ શેલ્ટર હાઉસ (સલામત આશ્રય સ્થાન)ની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. આવતીકાલ બપોર સુધીમાં સૌ સલામત સ્થળે ખસી જાય તેવી વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહી છે.’
‘આવા સલામત સ્થળોએ આશ્રય લેનારા લોકોના જમવા તથા દવા વગેરેની વ્યવસ્થામાં ધાર્મિક, સામાજિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, સ્વૈચ્છિક સેવા સંગઠનો વ્યાપકપણે જોડાય તેવી અપીલ છે.’
રાજ્ય સરકારે પાણી પુરવઠો, આરોગ્ય, વિજળી અસરગ્રસ્ત માર્ગોની મરામત માટે જે.સી.બી. મશીનો, કમ્યુનિકેશન વ્યવસ્થાઓ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બધી વ્યવસ્થાઓ સંપૂર્ણ તાકાત સાથે આ વાવાઝોડાથી થનારી અસરોમાં પ્રજાને તકલીફ ન પડે, જાનહાનિ ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કરી છે.
‘રાજ્યના મંત્રીઓ અને પ્રભારી સચિવોને જે તે જિલ્લામાં મોકલીને તંત્રનું માર્ગદર્શન કરવાની સુચના આપી છે, બુધવારે મળનારી કેબિનેટની બેઠક પણ મુલત્વી રાખી છે અને રાજ્યમાં યોજાનારો શાળા પ્રવેશોત્સવ પણ મોકુફ રાખ્યો છે અને સૈારાષ્ટ્ર-કચ્છના ૧૧ જિલ્લાઓમાં ૨ દિવસ માટે શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા છે.’
‘સોમનાથ, દ્વારકા, પોરબંદર, સાસણગીર જેવા સ્થળોએ હાલ વેકેશનને કારણે મોટી સંખ્યામાં રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસીઓ આવેલા છે તેમને પણ નમ્ર અપીલ છે કે, આવતીકાલ બપોર સુધીમાં તેઓ આ પ્રવાસન સ્થળો છોડીને સલામત સ્થળે પહોંચી જાય.’