અરબી સમુદ્રમાં સક્રીય થયેલા વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં અગમચેતીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયાની લગોલગ આવેલા અને પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટીનેશન એવાં દિવમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે નિચાણવાળા અને દરિયા કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. અંદાજે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે.
બીજી તરફ વાવાઝોડાની અસર હવે વર્તાઈ રહી છે. આજે રાત અથવા ગુરુવારે સવાર સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પર ત્રાટકે તેવી શક્યતા છે. આજે કોડીનારમાં કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. દરિયો ગાંડોતૂર બન્યો હોવાથી લોકોની સલામતીને સરકાર દ્વારા અગ્રીમતા આપવામાં આવી છે.